Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

વડોદરા:ઢોર પકડવા ગયેલ કોર્પોરેશનના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: એકતરફ શહેરમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે.અને નિર્દોષ નાગરિકોને જીવલેણ ઇજાઓ પહોંચે છે.ત્યારે બીજી તરફ પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવા નીકળતા કોર્પોરેશનના સ્ટાફ સાથે પશુમાલિકો પોલીસની  હાજરીમાં જ ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપે છે.આવા જ એક બનાવ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

ગઇકાલે બપોરે પોણા બાર વાગ્યે કોર્પોરેશનનો સ્ટાફ શહેરી વિસ્તારમાં  રખડતા ઢોર પકડવા માટે નીકળ્યો હતો.તેઓ સોમા તળાવ પ્રતાપનગર બ્રિજ પાસે આવ્યા ત્યારે જાહેર રોડ પર એક ભેંસ રખડતા મળી આવી હતી.સ્ટાફના માણસો ગાડીમાં ભેંસને ચઢાવતા હતા.તે દરમિયાન એક બાઇકચાલક આવ્યો હતો.અને તેણે કોર્પોરેશનના સ્ટાફ સાથે બોલાચાલી શરૃ કરી હતી.તેનો પક્ષ લઇને અન્ય ત્રણ લોકો આવી ગયા હતા.અને આ ભેંસને કેમ પકડી છે ? તેમ કહી સ્ટાફને ગાળો બોલવા લાગ્યા હતા.જેના કારણે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.આ વિસ્તારમાં ફરીથી ઢોર પકડવા આવ્યા તો જાનથી મારી નાંખીશું.તેવું કહીને જાનથી મારી નાંખવાની  ધમકી આપી હતી.જે  પૈકી એક પશુપાલક તેની બાઇક સ્થળ પર મૂકીને જતો રહ્યો હતો. જાહેર માર્ગ પર રખડતા ઢોરના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે.થોડા દિવસો પહેલા જ વાઘોડિયા રોડ પર ગુરૃકુળ ચાર રસ્તા પાસે ગાયના કારણે એન્જિનિયરીંગના વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો વારો આવ્યો   હતો.ત્યારબાદ સફાળા જાગેલા કોર્પોરેશનના તંત્રે શહેરમાં ઠેર-ઠેર બંધાઇ ગયેલા  ગેરકાયદે ઢોરવાડા પર રેડ પાડવાનું શરૃ કર્યુ હતું.તે પૈકી એક ઢોરવાડો વાઘોડિયા રોડ ગુરૃકુળ ચાર રસ્તા પર  પ્રથમ રેસિડેન્સી  પાસે આવેલો અનધિકૃત ઢોરવાડો સીલ કરવામાં આવ્યો હતો.જે ઢોરવાડામાંથી ૨૦ ઢોર પકડીને ઢોર ડબામાં પૂરવામાં આવ્યા હતા. આ ઢોર છોડાવવા માટે આવેલા  પશુ માલિક ગભુભાઇ લઘરાભાઇ ભરવાડ (રહે.ભરવાડ વાસ, ગુરૃકુળ ચાર  રસ્તા પાસે, વાઘોડિયારોડ)ની સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે

(4:46 pm IST)