Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

વડોદરા-વાઘોડિયા રોડ નજીક ડમ્પટરના વ્હીલ નીચે એક્ટિવા આવી જતા વલસાડની વિદ્યાર્થિનીનું ગંભીર ઇજાથી મોત:પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા: વડોદરા-વાઘોડિયારોડ પર અલવા ગામ પાસે એક ડમ્પરના પાછળના વ્હીલમાં એક્ટિવા આવી જતા લીમડા ગામ પાસેની યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા માટે જતી મૂળ વલસાડની એક વિદ્યાર્થિનીનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વિદ્યાર્થીને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે.

આ અંગેની વિગત એવી છે કે વલસાડના પવનપુત્ર બંગલો ખાતે રહેતા નરેન્દ્રભાઇ રાણાની બે પુત્રીઓ ઇશા(ઉ.વ.૨૧) અને પાયલ  વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં ઉમા ચાર રસ્તા પાસે પેઇંગ ગેસ્ટ તરીકે રહી  વડોદરા નજીકની પારુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી હતી. ઇશા રાણા એરોનોટિકલ ડિપ્લોમામાં અભ્યાસ કરતી હતી.

યુનિવર્સિટિમાં આજથી પરીક્ષા ચાલુ થવાની હોવાથી ઇશા તેમજ સાથી વિદ્યાર્થીઓ હૈદરઅલી શેખ અને ખુશી અમરીસસિંહ વિહોલ ત્રણે એક્ટિવા પર બેસીને વડોદરાથી યુનિવર્સિટિ ખાતે આજે સવારે જતા હતાં. વડોદરા-વાઘોડિયારોડ પર અલવા ગામ પાસેથી એક ડમ્પર રોડ ક્રોસ કરીને વડોદરા તરફ જતું હતું ત્યારે અચાનક એક્ટિવા ડમ્પરની પાછળના વ્હીલમાં ઘૂસી જતા એક્ટિવા પર બેસેલ ત્રણે રોડ પર પટકાતા તેઓને ગંભીર ઇજા થતા લોકો ભેગા થઇ ગયા હતાં. અકસ્માતના પગલે ડમ્પર મૂકીને ચાલક ફરાર થઇ ગયો હતો.

ત્રણે વિદ્યાર્થીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ઇશાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વિદ્યાર્થીને ઇજા થઇ હતી. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:46 pm IST)