Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

એક સંતાનની માતાને લગ્નનનું વચન આપી તરછોડી દેનાર વડોદરાના યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: જીવન સાથી ડોટ  કોમ પર  પરિચય થયા પછી એક સંતાનની માતા સાથે પ્રેમસંબંધ બાંધી તરછોડી દેનાર યુવક અને તેની માતા, ભાણેજ અને  અન્ય સંબંધીઓ સામે મહિલાએ માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે આરોપીઓને  પકડવા માટે તપાસ હાથ ધરી છે.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,માંજલપુર વિસ્તારમાં રહેતી મહિલાને દોઢ વર્ષ પહેલા ધવલ જશવંતભાઇ  પટેલ (રહે.વડા ગામ,તા.ધનસુરા, જિ.અરવલ્લી) સાથે જીવનસાથી ડોટ કોમ પર પરિચય થયો હતો.બંને વચ્ચે  થયેલો પરિચય પ્રેમસંબંધમાં ફેરવાયો હતો.ધવલે મહિલાને લગ્ન કરવાનું વચન આપ્યું હતું.ધવલ વડોદરામાં તેની માતા  જયાબેન સાથે ભાડાના ફ્લેટમાં રહેવા આવ્યો હતો.ધવલ અને મહિલાએ પશ્ચિમ  વિસ્તારમાં ભાગીદારીમાં વેલનેસ સેન્ટર શરૃ કર્યુ હતું.ધવલે મહિલાને લગ્નનું વચન આપીને અવાર-નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.મહિલાને  ગર્ભ રહી જતા તેણે ધવલના દબાણને વશ થઇને ગર્ભપાત પણ કરાવી લીધો હતો.

ત્યારબાદ ધવલ લગ્ન કરવાનું વચન તોડીને મહિલાને છોડીને જતો રહ્યો હતો.ધવલની માતા પણ આ સંબંધોથી વાકેફ હતી.તેમછતાંય તેમણે  પુત્રને અટકાવ્યો નહતો.વેલનેસ સેન્ટર શરૃ કરવા માટે લીધેલી લોનના રૃપિયા બાબતે  પણ તેઓ વચ્ચે વિવાદ થયો હતો.ધવલ રૃપિયા ૧૦ લાખ આપવાનું કહીને ફરી ગયો હતો. જે અંગે મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવતા પી.આઇ.ડી.કે.વાઘેલાએ ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

(4:45 pm IST)