Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સુરતના ઉંઘના વિસ્તારમાં કમિશનની લાલચ આપી પુણાગામની યુવતી પાસેથી 3 લાખ પડાવનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત, : સુરતના ઉધના દરવાજા સ્થિત એક કંપનીમાં નોકરી કરતી પુણાગામની યુવતીએ પ્રોડક્ટ પ્રમોશનના ટાસ્કને પૂરો કરી કમિશન મેળવવાની લાલચમાં રૂ.3.05 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ભંડારીયાની વતની અને સુરતમાં પુણાગામ યોગીચોક રોડ વિશ્વમૈત્રી સોસાયટી પ્લોટ નં.10 માં રહેતી 29 વર્ષીય ઋષિતા કાળુભાઈ સુતરીયા ઉધના દરવાજા સ્થિત એક કંપનીમાં નોકરી કરે છે. ગત 17 માર્ચના રોજ ઋષિતા ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતી હતી ત્યારે તેમાં એમેઝોન પ્લેટફોર્મ પર પ્રોડક્ટ પ્રમોશનની જાહેરાત જોઈને તેમાં આપેલા વ્હોટ્સએપ નંબર પર મેસેજ કર્યો હતો. સામેથી એક વ્યક્તિએ મેસેજ કરી કહ્યું હતું કે પ્રોડક્ટનું માર્કેટીંગ કરવા બદલ કમિશન મળશે. તેણે એક લીંક મોકલી રજીસ્ટ્રેશન કરાવી ટાસ્ક પુરા કરવાનું કહી તે માટે પૈસા પણ જમા કરાવવા પડશે તેમ કહ્યું હતું. આથી ઋષિતાએ 17 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન ત્રણ જુદાજુદા ટાસ્કમાં 30 ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.3,04,794 જમા કરાવી તેના તમામ ટાસ્ક પૂર્ણ કરી રૂ.1,22,232 નું કમિશન મેળવ્યું હતું અને તે તેણે રજીસ્ટર્ડ કરેલા એકાઉન્ટમાં પણ નજરે ચઢતું હતું. તેમ છતાં તે ફ્રીઝ થઈ જતા ઋષિતાએ વ્હોટ્સએપ નંબર પર મેસેજ કરી પૂછતાં સામેથી વ્યક્તિએ મેસેજ કરી જમા કરાવેલી રકમ રૂ.3,04,794 અને કમિશન રૂ.1,22,232 મળી કુલ રૂ.4,27,026 વિડ્રો કરવા 10 ટકા હેન્ડલીંગ ફી ભરવા કહેતા ઋષિતાને શંકા ગઈ હતી. આ અંગે તેણે ગતરોજ સરથાણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:44 pm IST)