Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ટ્રેક્ટરે હડફેટે લેતા બાઈક ચાલક દંપતી પૈકી પતિનું સારવાર દરમ્યાન મૃત્યુ

નડિયાદ : અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ પર આવેલા ખલાલ રોડ પર એક ટ્રેકટર ચાલકે પોતાનું ટ્રેક્ટર બેફિકરાઈ અને પુરઝડપે હંકારી સામેથી આવતી એક બાઇકને ટક્કર મારતાં બાઈક સવાર દંપતિ રોડ પર પટકાયું હતું. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પતિનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કઠલાલ તાલુકાના બગડોલ ખાતે પ્રતાપ સિંહ જુવાનસિંહ રહે છે. તેઓના ભત્રીજા પ્રવીણસિંહ ડાભી પોતાના મોસાળ (ભેટાઈ તા. દહેગામ) બાઈક લઈ ગયા હતા. તેમની સાથે તેમના પત્ની રેશમબેન ઉર્ફે પાયલબેન પણ હતા. બંને સાંજના ચાર વાગ્યે ઇન્દોર અમદાવાદ હાઈવે રોડ ખલાલ નવા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન સામેથી રોંગ સાઇડે પુરપાટ ઝડપે આવતા એક ટ્રેકટર ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક સવાર દંપતી રોડ પર પટકાયું હતું. જેમાં બાઇક ચાલક પ્રવિણસિંહ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ડાબો પગ કપાઈ ગયો હતો. જ્યારે પાછળ બેઠેલા રેશમબેનને ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા દંપતિને તાત્કાલિક સારવાર અર્થે કઠલાલની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પ્રવિણસિંહને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર મૂકી નાસી ગયો હતો. 

(4:43 pm IST)