Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ધો. ૧ર સાયન્‍સ બાદ ડિગ્રી એન્‍જીનીયરીંગની પ્રવેશ પ્રક્રિયા શરૂ

ગુજકેટ અથવા JEE આપનાર વિદ્યાર્થીઓ જ રજિસ્‍ટ્રેશન કરાવી શકશે

અમદાવાદ, તા.૧: ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી એન્‍જીનીયરીંગના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરાશે. પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓએ ૩૦ જૂન સુધી ઓનલાઈન રજિસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે.

ગુજકેટ અથવા JEE આપનાર ઉમેદવાર જ રજિસ્‍ટ્રેશન કરાવી શકશે. ડિગ્રી એન્‍જનિયરિંગનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે રાજ્‍યની ૧૬ સરકારી સંસ્‍થાઓ, ૪ અનુદાનિત સંસ્‍થાઓ, ૧ ઓટોનોમસ તેમજ ૧૧૩ સ્‍વનિર્ભર સંસ્‍થાઓ પર કાર્યવાહી કરાશે. કુલ ૬૪,૨૬૨ બેઠકો પર ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે. ગતવર્ષની સરખામણીએ આ વર્ષે ૨,૦૬૬ બેઠકોનો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે કુલ ૬૬,૩૨૮ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાંથી ૩૫,૪૯૯ બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્‍યો હતો, ૩૦,૮૨૯ બેઠકો ખાલી રહી હતી. આ વર્ષે પણ અંદાજે ૩૫,૦૦૦ જેટલી બેઠકો ખાલી રહે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે બેઠકો ઘટવા છતાં બે નવી કોલેજોમાં કેટલાક કોર્ષ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હોવાથી એ બેઠકો માટે પણ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં અમદાવાદમાં આવેલો GLS યુનિવર્સિટીમાં કમ્‍પ્‍યુટર સાયન્‍સ એન્‍ડ એન્‍જી. તેમજ અમદાવાદમાં આવેલી અનંત નેશનલ યુનિવર્સિટીમાં બી.ટેક. ઈન કલાઈમેટ ચેંજના વિષયમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય AICTE ની મંજૂરીની અપેક્ષાએ નવા કોર્ષમાં ૬૦૦ જેટલી બેઠકોનો વધારો કરવામાં આવ્‍યો છે.

(1:25 pm IST)