Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

વડોદરા પોલીસની પ્રજાલક્ષી કામગીરીથી પ્રભાવિત વિદેશ મંત્રીએ મધરાતે પોલીસ કમિશ્નરને ફોન કરી સી ટીમ સાથે મુલાકાત ગોઠવી

શમશેર સિંઘ ટીમ દ્વારા થયેલ કામગીરી કાબિલેદાદ કામગીરીની વિગતો પોલીસ ભવનના હોલમાં સાંભળી અભિનંદનની ઝડી વરસાવી : એક રાજયપાલે સીપીને આ બધી વિગતો હિન્‍દીમાં પ્રસિધ્‍ધ કરવા સૂચવ્‍યુ અને હિન્‍દીમાં વિગતો વાંચ્‍યા બાદ અત્‍યંત પ્રભાવિત થયેલ અને ટૂંકા સમય માટેની મુલાકાત નિર્ધારિત સમય કરતાં ખૂબ વિશેષ રહી, ગુજરાતના ઈતિહાસની અનેરી ઘટનાની કથા પાછળની રસપ્રદ કથા અકિલા સમક્ષ પોલીસ કમિશ્નર શમશેરસિંઘે વર્ણવી : મહિલા બૂટલેગરોને દારૂના ધંધામાંથી મુકત કરાવી અગરબત્તી, શિવણ, બ્‍યુટીપાર્લર જેવા ધંધા તરફ વાળવા સાથે એક અપંગ બુટલેગરની પુત્રીને આઈપીએસ અધિકારી બનવાની ઈચ્‍છા વ્‍યકત કરતા સીપી દ્વારા તમામ મદદની ખાત્રી જેવી કથાની હિન્‍દીમાં આખી કથા વાંચ્‍યા બાદ પોતાની રૂબરૂ મળવા આતુર બનેલ, પડદા પાછળની રસપ્રદ કથા

રાજકોટ તા.૧:  વડોદરા પોલીસ દ્વારા પ્રજાલક્ષી કામગીરી સ્‍વચ્‍છ છબી ધરાવતા ડો. શમશેર સિંઘના વડપણ હેઠળ સી ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, તેની અદભૂત અને ઐતિહાસિક વિગતો જાણી પોલીસ કમિશનરને મધરાતે ફોન કરી ઓચિંતિ પોતે સી ટીમને રૂબરૂ મળવા માગતા હોવાની ઈચ્‍છા વ્‍યકત કરતા બીજા દિવસે પોલીસ કમિશનર ઓફિસ અર્થાત્‌ પોલીસ ભવનના કોન્‍ફરન્‍સ હોલમાં આ  મુલાકાત ગોઠવાઈ હતી અને એ કહેવાની ભાગ્‍યે જ જરૂર છે કે વિદેશ મંત્રી જયશંકર સી ટીમના નાનામાં નાના પોલીસ સ્‍ટાફ દ્વારા લોક ઉપયોગી કામગીરી કેવી રીતે કરવામાં આવી તે જાણી ખૂબ પ્રભાવિત થયા અને પોલીસ કમિશનર અને સી ટીમને જાહેરમાં બિરદાવવાની ગુજરાત પોલિસ તંત્રની અકલ્‍પનીય ઘટના બની હતી.          

વિદેશ મંત્રી દ્વારા આ મુલાકાત બાદ ખાસ ટ્‍વીટ કરી આ જાણકારી આપવા સાથે પ્રસંશા કરવાની જે ઘટના ઘટી છે, તે પાછળની કથા પણ ખૂબ રસપ્રદ અને જાણવા જેવી છે. અન્‍ય શહેર જિલ્લા માફક વડોદરામાં સી ટીમ દ્વારા જે કામગીરી કરવાના આવી રહી છે તે થોડી અલગ રીતે કરવામાં આવી રહી છે, આ બધી વિગતો વિદેશ મંત્રી દ્વારા વડોદરા પોલીસ દ્વારા ગુજરાતી માફક હિન્‍દીમાં પ્રસિદ્ધ થયેલ છે, આ વિગતો વિદેશ મંત્રી દ્વારા વાંચ્‍યા બાદ તેઓ દ્વારા તુરત પોતાની મુલાકાત માટે ઈચ્‍છા જણાવેલ.હવે પ્રશ્નએ થાય કે ગુજરાતી સાથે ખૂબ રસાળ શૈલીમાં લખાયેલી આ વિગતો હિન્‍દીમાં પ્રસિદ્ધ થવા પાછળ પણ એક રસપ્રદ કથા પણ છુપાયેલ છે.

 વડોદરા સી ટીમની કામગીરીની વિગતો રાષ્‍ટ્રિય લેવલે લોકોને જાણી તેમાંથી પ્રેરણા મળે તે માટે  આ વિગતો હિન્‍દીમાં પ્રસિદ્ધ થાય તેવું સૂચન એક રાજ્‍યપાલ દ્વારા કરવામાં આવ્‍યા બાદ ઘણા મહાનુભાવો દ્વારા પણ સૂચન બાદમાં થયેલ તે આધારે ડો. શમશેર સિંઘ દ્વારા હિન્‍દીમાં આ વિગતો પ્રસિદ્ધ કરવામાં આવેલ. વિદેશ મંત્રી સી ટીમના મહિલા પોલિસ સ્‍ટાફ પાસેથી જેમ જેમ વિગતો જાણતા ગયા તેમ તેમ ખૂબ પ્રભાવિત થયા, એ કહેવાની ભાગ્‍યે જ જરૂર છે કે મુલાકાત માટે જે સમય નકકી કરવામાં આવેલ તેના કરતા ખૂબ વધુ સમય વિદેશ મંત્રી દ્વારા ફાળવવામાં આવેલ.           

 પોલીસ દ્વારા વર્ષોથી મજબૂરીને કારણે એક જ ધંધામાં કાર્યરત એવી ઘણી મહિલા બૂટલેગરોને સમજાવી અને તેમને દારૂ વેચવાને બદલે તેમને અગરબત્તી, બ્‍યુટી પાર્લર, સીલાઇકામ વિગેરે માટે ખાસ તાલીમ આપી અને ખાસ સમારોહમાં આ ધંધો છોડવાની જાહેરાત કરેલ.            

એકલા રહેતા વડીલો માટે દવા સહિતની કાળજી, ભોજન વ્‍યવસ્‍થા, તેમના રોજીંદા કામ્‌ માટે મદદ કરવાની ફૂલપ્રૂફ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે, વિખૂટા પડેલ બાળકો શોધી આપવાની પણ કામગીરી બજાવતી પોલીસ દ્વારા એક અપંગ મહિલા બૂટલેગરની પુત્રી દ્વારા પોતે મોટા થાય ત્‍યારે આઇપીએસ બનવાની ઈચ્‍છા વ્‍યકત કરવામાં આવતા પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ દ્વારા પોતાના તરફથી મટીરીયલ પૂરૂં પાડવા સાથે તમામ સહાય માટે વચન આપવામાં આવેલ, લોકડાઉન દરમિયાન લોકો પર વધુ કેસ કરી દાઝયા પર ડામ દેવાના બદલે ઇમરજન્‍સી સમયે દૂધ, દવા અને ઇમરજન્‍સી પ્રવાસ વખતે પોલીસ દ્વારા રેલ્‍વે સ્‍ટેશન, બસ્‌ સ્‍ટેશન સુધી પહોચાડવાની વ્‍યવસ્‍થા ગોઠવાઇ હતી તે બધી બાબતો વિદેશ મંત્રીએ ઘણા લોકો પાસે જાણી આ મુલાકાત માટે ઉત્‍સુક બનેલા.

(3:37 pm IST)