Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

એક્ટર મલ્હાર ઠાકરે દુઃખ વ્યક્ત કર્યું

ગુજરાતી ફિલ્મોના આસિ. ડિરેક્ટર જપન ઠાકરનું અકસ્માતમાં મોત

જપન ઠાકર હાલમાં જ ગુજરાતી ફિલ્મ ૩ એક્કાના શૂટિંગમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયો હતો

અમદાવાદ: રાજ્યમાં અકસ્માતોના  બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કાલે મોડી રાત્રે એસ. જી હાઇવે પર સોલા ઓવર બ્રિજ નજીક કાર ચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ આકસ્માતમાં ગુજરાતી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત જપન ઠાકરનું મોત થયું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ વિજય ઠાકરના પુત્ર જપન ઠાકર હાલમાં જ ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’ના શૂટિંગમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયો હતો. જપન ઠાકર અને એક્ટર મલ્હાર ઠાકર ખાસ મિત્રો હોવાનું જાણવા મળે છે. ત્યારે, જપન ઠાકરનું અકસ્માતમાં મોત થતાં એક્ટર મલ્હાર ઠાકરે ભારે દુ:ખ વ્યક્ત કરતો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પાછળથી કારની ટક્કર વાગતા આ અકસ્માત સર્જાયો હતો અને જપન ઠાકર નીચે પડતા તેને ભારે ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજયું હતું. પુત્રના અકસ્માતની જાણ થતા જ પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી અને કારચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:58 am IST)