Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

અભિનેત્રી તાપસી પન્‍નુ ફરીવાર વિવાદમાં: સનાતન ધર્મને ઠેંસ પહોંચાડયાનો આરોપ

ફેશન શોમાં રેમ્‍પવોક વખતે રિવીલીંગ ડ્રેસ સાથે લક્ષ્મીજીનું લોકેટ પહેર્યુ હતું: એકલવ્‍ય ગોૈરે કરી ફરિયાદઃ તાપસી પન્‍નુ તરફથી આ મામલે કોઇ ખુલાસો કરવામાં આવ્‍યો નથી

ઇન્‍દોર તા. ૨૮: અભિનેત્રી તાપસી પન્‍નુ તેની ફિલ્‍મોની સાથે સાથે પાપારાઝી સાથેની માથાકુટને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. હવે તેના વિરૂધ્‍ધ સનાતન ધર્મની છબીને ઠેંસ પહોંચાડવાનો આરોપ મુકાયો છે અને તેના વિરૂધ્‍ધ ઇન્‍દોરમાં ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદીએ અભિનેત્રી પર સનાતન ધર્મની છબી ખરાબ કરવાનો અને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્‍યો છે. ઈન્‍દોર પોલીસે આ મામલામાં કેસ નોંધીને તપાસ કરવા જણાવ્‍યું છે. અભિનેત્રી તાપસી પન્‍નુ પર મા લક્ષ્મીનું અપમાન કરવાનો આરોપ લાગ્‍યો છે. આ મામલે માહિતી આપતાં છત્રીપુરા પોલીસ સ્‍ટેશનના SHO કપિલ શર્માએ કહ્યું છે કે- એકલવ્‍ય ગૌર દ્વારા એક અરજી મળી છે, જેમાં લખ્‍યું છે કે અભિનેત્રી તાપસી પન્‍નુ ફેશન શોમાં રેમ્‍પવોક કરતી વખતે લક્ષ્મીજીનું લોકેટ પહેરી રહી હતી. તે સમયે તેણે રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો.

અરજદારનું કહેવું છે કે તે લોકેટ સાથે દેખાતો ડ્રેસ પહેરવાથી તેની ધાર્મિક લાગણીઓ અને સનાતન ધર્મની છબીને ઠેસ પહોંચી છે. આ મામલે હવે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સનાતન ધર્મની છબીને ઠેસ પહોંચાડવાના આરોપ પર તાપસીએ હજુ સુધી કોઈ નિવેદન આપ્‍યું નથી.  તાપસી  હંમેશા પોતાની સ્‍પષ્ટવક્‍તા માટે જાણીતી છે અને દરેક મુદ્દા પર ખુલીને વાત કરે છે. જો કે, તાપસીએ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપ્‍યું નથી.

 તાપસી ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફિલ્‍મ ડંકીમાં જોવા મળશે. આ ફિલ્‍મ આ વર્ષે સિનેમાઘરોમાં આવવાની છે. આ ફિલ્‍મનું નિર્દેશન રાજકુમાર હિરાની કરી રહ્યા છે. તાપસી પહેલી જ વખત શાહરૂખ ખાન સાથે કામ કરી રહી છે.

(3:20 pm IST)