Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સીનેમાઘરોમાં રીલીઝ થશે અમીતાભની ચેહરે

ઓટીટી પર આવી રહી છે ફિલ્મો અને વેબસીરીઝ

નવી દિલ્હી તા. ૨૪ : સિનેમાઘરોમાં બોલીવુડ ફિલ્મોની રીલીઝનો સિલસિલો ૧૯ ઓગસ્ટે આવેલ અક્ષયકુમારની ફિલ્મ બેલબોટમથી શરૂ થઇ ચૂકયો છે. હવે ૨૭ ઓગસ્ટે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમીની ફિલ્મ ચેહરે સિનેમાઘરોમાં આવશે. આ સાથે જ ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ આ સપ્તાહે ઘણી મહત્વની વેબ સીરીઝ અને ફિલ્મો આવી રહી છે. જેમાં હોલીવુડની ફિલ્મો પણ સામેલ છે.

એમએકસ પ્લેયર પર ૨૬ ઓગસ્ટે બાયોપીક વેબસીરીઝ સબકા સાંઇ રીલીઝ થઇ રહી છે. આ સીરીઝ શીરડીના સાંઇબાબાના જીવનની કેટલીક મુખ્ય ઘટનાઓ રજૂ કરશે. સીરીઝનું ડાયરેકશન અજીત ભૈરવકરે કર્યું છે અને રાજ અર્જુન સાંઇબાબાની ભૂમિકામાં દેખાશે. આ સીરીઝમાં સાંઇબાબાના જન્મથી માંડીને ઐતિહાસિક ઘટનાઓ દર્શાવાશે.

૨૭ ઓગસ્ટે ડીઝની પ્લસ હોટ સ્ટાર પર પીરીયડ ડ્રામા સીરીઝ ધ એમ્પાયર રજૂ થશે. તે મોટા પાયે બનેલ ઐતિહાસિક ફીકશન સીરીઝ છે જેનું ડાયરેકશન મિતાક્ષરાકુમારે કર્યું છે. આ સીરીઝમાં પહેલા મોગલ શાસક બાબરના જીવન અને સામ્રાજય વિસ્તારને દર્શાવાશે. ૨૭ ઓગસ્ટે જ ડીઝની પ્લસ હોટ સ્ટાર પર હોલીવુડ ફિલ્મ ક્રુએલા હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુમાં રીલીઝ થશે. આ ક્રાઇમ કોમેડી ફિલ્મ છે જેમાં મુખ્ય રોલમાં એમાસ્ટોન છે.

૨૭ ઓગસ્ટે નેટફેલીક્ષ પર રાઇઝ ઓફ ધ બ્લેક સ્વાન રીલીઝ થઇ રહી છે. આ એક હાઇસ્ટ ફિલ્મ છે, જેમાં ગુનેગારોની એક નાનકડી ફોજ એક હેરતઅંગેજ લુંટને અંજામ આપતી જોવા મળશે. ૨૭મીએ જ નેટફલીક્ષ પર હી ઇઝ ઓલ ધેટ રીલીઝ થશે જે કિશોરો માટેની રોમાન્ટીક કોમેડી ફિલ્મ છે.

આ ઉપરાંત વૂટ પર અત્યારે બિગ બોસ ઓટીટી ચાલી જ રહી છે જેનો આનંદ તમે ૨૪ કલાક લઇ શકો છો. આ શોને કરણ જોહર હોસ્ટ કરી રહ્યા છે.

(12:58 pm IST)