Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

અભિષેક બચ્ચને મુંબઈમાં આવેલા પોતાના લકઝુરિયસ એપાર્ટમેન્ટને ૪૫.૭૫ કરોડમાં વેચ્યો

આ ઘર ઓબેરોય ૩૬૦માં ૩૭માં માળે હતું, એનો એરિયા ૭,૫૨૭ સ્કવેર ફૂટ છે : આ જ બિલ્ડીંગમાં એકટર અક્ષય કુમાર અને શાહીદ કપૂરનો પણ એપાર્ટમેન્ટ આવેલો છે

મુંબઇ,તા. ૧૩: બોલીવૂડ એકટર્સના મોટાભાગે ઘર ખરીદવાના સમાચાર સામે આવતા હોય છે. તાજેતરમાં જ રાની મુખર્જીએ એક નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે એકટર અભિષેક બચ્ચને મુંબઈમાં પોતાના લકઝુરિયસ એપાર્ટમેન્ટને વેચી દીધો છે. અભિષેક બચ્ચને તેના એપાર્ટમેન્ટને ૪૫.૭૫ કરોડ રૂપિયામાં વેચ્યો છે. તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન તેની પત્ની એશ્વર્યા રાય બચ્ચન અને દિકરી આરાધ્યા બચ્ચન સાથે મુંબઈમાં બચ્ચન પરિવારના ઘર જલસામાં રહે છે.

એક રિપોર્ટ મુજબ, અભિષેક બચ્ચનનું આ દ્યર ઓબેરોય ૩૬૦માં ૩૭માં માળે હતું. એનો એરિયા ૭,૫૨૭ સ્કવેર ફૂટ છે. અભિષેક બચ્ચને વર્ષ ૨૦૧૪માં આ એપાર્ટમેન્ટ ૪૧ કરોડમાં ખરીદ્યો હતો. આ બિલ્ડીંગમાં અક્ષય કુમાર અને શાહીદ કપૂરનો પણ એપાર્ટમેન્ટ છે.

આ વર્ષે મે મહિનામાં અમિતાભ બચ્ચને એક ડુપ્લેકસ એપાર્ટમેન્ટ પણ ખરીદ્યો હતો. એક પ્રોપર્ટી વેબસાઈટના જણાવ્યા મુજબ, અમિતાભ બચ્ચને અંધેરી વિસ્તારમાં નિર્માણધીન એટલાન્ટિસ પ્રોજેકટમાં ૫૧૮૪ વર્ગ ફૂટનો ડુપ્લેકસ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. જેની કિંમત ૩૧ કરોડ રૂપિયા છે. આ ડીલ ગયા વર્ષે ડિસેમ્બર ૨૦૨૦માં થઈ હતી.

અભિષેક બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ 'ધ બિગ બુલ'માં નજરે પડ્યો હતો. આ ફિલ્મ સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાની લાઈફ પર બની છે. હવે, અભિષેક બચ્ચન ફિલ્મ 'દસવી'માં નિમરત કૌર અને ફિલ્મ બોબ બિસ્વાસમાં ચિત્રાંગદા સેન સાથે જોવા મળશે.

(10:08 am IST)