Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

બોકસ ઓફિસ પર બોલિવૂડ, હોલિવૂડ અને સાઉથની ફિલ્મો ટકરાશે !

ફિલ્મોની કતારો લાગી છે અને બોકસઓફિસ પર ઘણી ફિલ્મો એકસાથે રિલીઝ થવા જઇ રહી છે

મુંબઇ તા. ૧ : કોરોનાને કારણે તમામ ક્ષેત્ર પર થોડા ઘણા અંશે અસર થઈ રહી છે. ફિલ્મ જગતને પણ ઊંડી અસર થઈ છે. કોવિડ-૧૯ના કારણે સિનેમા ઘરો બંધ રાખવામાં આવ્યા હતા. હવે સિનેમાઘરોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ પરિસ્થિતિમાં ફિલ્મોની કતારો લાગી છે અને બોકસઓફિસ પર ઘણી ફિલ્મો એકસાથે રિલીઝ થવા જઈ રહી છે.

સૂર્યવંશી, અંતિમ એન્ડ એટર્નલ્સ- ઓસ્કાર પુરસ્કાર વિજેતા ડિરેકટર કલો ઝાઓની માર્વેલ સ્ટુડિયોઝની એટર્નલ્સ આ વર્ષના અંતે દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. બીજી તરફ રોહિત શેટ્ટીએ જણાવ્યું છે કે, સૂર્યવંશી દિવાળીના શુભ અવસર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરીના કેફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મ 'અંતિમ : ધ ફાઈનલ ટ્રુથ' દિવાળી પર રિલીઝ થઈ શકે છે. ડાયરેકટર મહેશ માંજરેકરે અંતિમ રિલીઝ થવાની તારીખની પુષ્ટી કરી છે. રિલીઝ તારીખમાં ફેરફાર થવાને કારણે ફિલ્મ 'અંતિમ'બોકસ ઓફિસ પર સૂર્યવંશી સાથે ટકરાશે નહીં. પરંતુ સૂર્યવંશી અને એટર્નલ્સ ફિલ્મ બોકસ ઓફિસ ટકરાશે.

૮૩, ધ મેટ્રીકસ : રેસરેકશન્સ અને પુષ્પા- અલ્લુ અર્જુને ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. અલ્લુ અર્જુનની ફહદ ફાસિલ સાથેની ફિલ્મ પુષ્પા-ભાગ-૧ ક્રિસમસ પર રિલીઝ થશે. રણવીર સિંહની ફિલ્મ ૮૩ પણ ક્રિસમસ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં રણવીરે કપિલ દેવનું પાત્ર ભજવ્યું છે. ૨૨ ડિસેમ્બરના રોજ ધ મેટ્રિકસ ફ્રેન્ચાઈઝીનો ચોથો ભાગ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થવા જઈ રહ્યો છે. ધ મેટ્રીકસ ૪માં પ્રિયંકા ચોપડા પણ જોવા મળશે.

વાલિમાઈ, સરકારૂ વારી પાતા અને રાધે શ્યામ- તમિલ સ્ટાર અજિત કુમાર, તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબૂ અને પાન-ઈન્ડિયા અભિનેતા પ્રભાસ પોંગલની ફિલ્મ ૨૦૨૨માં એકસાથે રિલીઝ થશે. આ અભિનેતાઓની ફિલ્મ વાલિમાઈ, સરકારૂ વારી પાતા અને રાધે શ્યામની દર્શકો ખૂબ જ રાહ જોઈ રહ્યા છે.

એક વિલન રિટર્ન્સ અને લાલ સિંહ ચઢ્ઢા- જહોન અબ્રાહમ, દિશા પટની, તારા સુતરિયા અને અર્જૂન કપૂરની ફિલ્મ એક વિલન રિટર્ન્સ વેલેન્ટાઈન્સ ડે વીકમાં રિલીઝ થશે. આ ફિલ્મ રિલીઝ થશે તેના થોડા દિવસ બાદ આમિર ખાન અને કરીના કપૂર ખાનની લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થશે.

ધ બેટમેન અને બચ્ચન પાંડે- બેટમેનનું ટીઝર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મ ૪ માર્ચના રોજ રિલીઝ થશે. ત્યારે ભારતમાં અક્ષય કુમાર અને કૃતિ સેનોન સ્ટારર ફિલ્મ બચ્ચન પાંડે અને ફિલ્મ બેટમેન બોકસ ઓફિસ પર ટકરાશે.

KGF-Chapter ૨ અને ભેડિયા- કોરોના મહામારીના સમયગાળામાં દર્શકો KGF-Chapter ૨ ની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ એકશન ફિલ્મમાં યશ અને સંજય દત્ત્। જોવા મળશે. ૧૪ એપ્રિલના રોજ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે હોરર કોમેડી ફિલ્મ ભેડિયા પણ ૧૪ એપ્રિલના રોજ રિલીઝ થશે. ભેડિયા ફિલ્મમાં ક્રિતી સેનોન અને વરુણ ધવન અભિનય કરતા જોવા મળશે.

 મેડે અને હિરોપંતી ૨- ટાઈગર શ્રોફ અને તારા સુતરિયા દ્વારા અભિનીત ફિલ્મ હિરોપંતી ૨ ઈદના શુભ અવસર પર ૨૯ એપ્રિલના રોજ રિલીઝ થશે. બીજી તરફ અમિતાભ બચ્ચન, અજય દેવગણ અને રફુલ પ્રીત સિંહની મેડે ફિલ્મ પણ ૨૯ એપ્રિલના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જયારે ૬ મેના રોજ હોલીવુડ ફિલ્મ 'થોર : લવ એન્ડ થન્ડર' રિલીઝ થશે. હોલીવુડ ફિલ્મ સાથે ટકરાવ ના થાય તે માટે ફિલ્મ હિરોપંતી ૨ની રિલીઝ ડેટમાં બે વાર ફેરફાર કરવામાં આવ્યા છે.

આદિપુરુષ અને રક્ષાબંધન- અક્ષય કુમારની રક્ષાબંધન અને પ્રભાસની રામાયણ તથા સૈફ અલી ખાનની આદિપુરુષ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. આ ત્રણેય ફિલ્મો બોકસ ઓફિસ પર ટકરાશે.

વિક્રમ વેધા અને મિશન ઈમ્પોસિબલઃ ૭- ડાયરેકટર પુષ્કર અને ગાયત્રી તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ વિક્રમ વેધાની હિંદી રિમેક બનાવી રહ્યા છે. જેમાં સૈફ અલી ખાન અને ઋતિક રોશન જોવા મળશે. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. હોલીવુડ ફિલ્મ મિશન ઈમ્પોસિબલ ૭ પણ તે જ દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં ટોમ ક્રૂઝ જોવા મળશે.

(10:34 am IST)