Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક ડો. મોહનજી ભાગવતનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૧: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકજી પૂ. ડો. મોહનજી ભાગવતનો આજે જન્મ દિવસ છે. તેમનો જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૯પ૦ના દિવસે મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપુર ગામમાં થયો. તેમના પિતા મા. મધુકરરાવજી ભાગવત ૧૯૯૪ થી ૧૯પ૧ સુધી ગુજરાતમાં સંઘના પ્રાંત પ્રચારક હતા. તેમની મિષ્ટ વાણી અને મિષ્ટ વ્યવહારે આ છ વર્ષના ગાળામાં ગુજરાતનાં લગભગ ૧૧પ ગામોમાં સંઘકાર્યની શાખાઓની જાળ પાથરી હતી. તેઓએ પંજાબરાવ કૃષિ વિદ્યાપીઠમાંથી વેટરનરી ડોકટરોની ઉપાધિ મેળવેલ છે. ઘરમાં સંઘનું જ વાતાવરણ હતું. માતાજી પણ રાષ્ટ્રસેવિકા સમિતિનું કામ કરતાં. શિશુવયથી જ મોહનજી સંઘની શાખામાં જવા લાગ્યા. વર્ષ ૧૯૭પમાં સંઘના પ્રચારક તરીકે નીકળ્યા. એ સમયગાળામાં જ કટોકટી જાહેર થતાં તેમણે ભૂગર્ભવાસ કરીને સંઘકાર્યનું દિશાદર્શન કર્યું. કટોકટી દરમિયાન પિતાજી, માતાજી અને ભાઇની ધરપકડ થઇ. મોહનજી ભૂર્ગમાં, એટલે નાના બે ભાઇ બહેને હિંમતથી ઘર સંભાળ્યું અને વહેવાર ચલાવ્યો. કટોકટી દૂર થતાં ૧૯૭૭માં નાગપુર અને વિદર્ભ વિભાગ પ્રચારકની જવાબદારી સોંપાઇ, ૧૯૮૭માં અખિલ ભારતીય સહસરકાર્યવાહની જવાબદારી સોંપાઇ, વર્ષ ૧૯૯૧માં અખિલ ભારતીય શિક્ષણ પ્રમુખની અને વર્ષ ૧૯૯૯ માં અખિલ ભારતીય પ્રચારક પ્રમુખની જવાબદારીઓ સોંપાઇ. વર્ષ ર૦૦૦માં સંઘના સરકાર્યવાહ મા. શૈષાદ્રિજીએ શારીરિક નાદુરસ્તીને કારણે નિવૃત્તિ લેતાં મોહનજીને અખિલ ભારતીય સરકાર્યવાહકની જવાબદારી સોંપાઇ જે તેમણે ર૦૦૯ સુધી સુપેરે નિભાવી અને હાલ સંઘના સરસંઘચાલકજીની જવાબદારી નિભાવી રહ્યા છે.

(3:26 pm IST)