<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

પક્ષના નામથી ખનખનિયાના ખેલ

ગરીબ કલ્‍યાણ પાર્ટીની ગરીબી દૂરઃ સ્‍વતંત્રતા પાર્ટી આર્થિક મુદે પરતંત્રઃ જનતા દળના નામે ફંડ દળઃ રાજનીતિના નામે હજારો કરોડના ખેલકાંડમાં પડદા પાછળના અસલી ખેલાડી પણ ઝડપાવા જરૂરી

 ગુજરાતમાં તાજેતરમાં રાજકીય ક્ષેત્રે એક અત્‍યંત મોટો અને ચોંકાવનારો આર્થિક ખેલકાંડ સામે આવ્‍યો છે. ચૂંટણીના મેદાનમાં જે રાજકીય પક્ષોના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્‍ત  થઈ જાય છે, તેમણે કરોડો રૂપિયાનું અનામી દાન મેળવ્‍યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ચૂંટણીમાં માત્ર ગણતરીના મતો મેળવનારા નાના અને અજાણ્‍યા પક્ષોના બેંક ખાતામાં આશરે ૧૮૭૦ કરોડ રૂપિયા જેટલું જંગી ફંડ જમા થવું એ લોકશાહીના નામે બહુ મોટો આર્થિક ગંદકીનો ખેલ સ્‍પષ્ટપણે દર્શાવે છે.

‘ગરીબ કલ્‍યાણ પાર્ટી'ના નામે કાગળ પર ચાલતા પક્ષે  પ્રજાની સેવા કરવાને બદલે પોતાની ગરીબી દૂર કરીને અબજો રૂપિયાનું ફંડ એકઠું કર્યું છે. ‘સ્‍વતંત્રતા પાર્ટી' રાજકીય રીતે પોતાને સ્‍વતંત્ર ગણાવે છે પરંતુ આર્થિક મુદ્દે તે કાળા નાણાંને ધોળા કરવાના નેટવર્ક પર સંપૂર્ણ પરતંત્ર સાબિત થઈ છે. તેવી જ રીતે ‘જનતા દળ'ના નામે કોઈ જનસેવા કરવાને બદલે ફક્‍ત ફંડનું મોટું દળ ઊભું કરવામાં આવ્‍યું છે. આ બધા જ પક્ષોનો ઉપયોગ પ્રજાના કલ્‍યાણ માટે નહીં, પણ માત્ર ટેક્‍સ ચોરી કરવા અને કાળું નાણું સફેદ કરવા માટેના સાધન તરીકે જ કરવામાં આવ્‍યો છે.

આ સમગ્ર ખેલકાંડ રાજનીતિના નામે ચાલતા નાણાકીય ભ્રષ્ટાચારનું નગ્ન સત્‍ય દેશ સમક્ષ બહાર લાવે  છે. ચૂંટણી કમિશનમાં નોંધાયેલા આ બિન-માન્‍યતા પ્રાપ્‍ત પક્ષો કાગળ પર ખોટા સરનામે અને ડમી નામોથી ચાલી રહ્યા હતા. દાન આપનારા મોટા કાળબજારીયાઓ અને દાન લેનારા પક્ષના નેતાઓ બંને પોતાના અંગત સ્‍વાર્થ માટે દેશની આર્થિક વ્‍યવસ્‍થા સાથે ખુલ્લેઆમ રમત રમી રહ્યા છે.

 આવા બોગસ રાજકીય પક્ષો સામે માત્ર દંડ ફટકારીને કે ચોપડે રજિસ્‍ટ્રેશન રદ કરીને શાંત બેસી જવાથી આ આર્થિક ગંદકી સાફ થઈ શકશે નહીં. આર્થિક મુદ્દે ચાલતા આ કૌભાંડમાં માત્ર કાગળ પરના પ્રમુખો કે નાના મહોરાંઓને પકડવાથી કોઈ કાયમી ઉકેલ આવશે નહીં. રાજનીતિના નામે હજારો કરોડના આ ખેલકાંડમાં પડદા પાછળના અસલી ખેલાડીઓ, માસ્‍ટરમાઇન્‍ડ અને આનાથી આર્થિક ફાયદો મેળવનારા મોટા ચહેરાઓ સુધી પહોંચવું અને તેમને પણ કડક રીતે ઝડપવા બહુ જ જરૂરી બની ગયા છે. આ સમગ્ર ઘટનાક્રમ તપાસ એજન્‍સીઓ માટે કસોટી સમાન છે.

(10:52 AM IST)