News of Saturday, 7th June 2025
ભારત મજબૂતઃ ગુજરાત નબળું!
કેન્દ્રમાં મોદીજીના ૧૧ વર્ષઃ ગુજરાતમાં મોદીજી વગરના ૧૧ વર્ષ
મોદીના રૂપમાં ગુજરાતે ભારતને અતિ મજબૂત નેતા આપ્યા છે. એક દાયકામાં મોદીજીએ દેશની દશા-દિશા અને આભા બદલી નાખ્યા છે. કેન્દ્રમા મોદી સરકાર રચાયા ને ૧૧ વર્ષ થયા છે. મીડિયા જગતમાં તેના લેખા-જોખા ચાલે છે. ગુજરાતી મીડિયા પણ સમીક્ષા કરવામાં વ્યસ્ત છે.
થોડા દૃષ્ટિકોણ બદલો તો ગુજરાતમાં થોડી જુદી સમીક્ષાની જરૂર છે. ગુજરાતમાં લાંબાગાળાના નિર્ણાયક શાસન બાદ મોદીજી કેન્દ્રમાં ગયા, વડાપ્રધાન બન્યા ગુજરાતમાં મોદીજીના નેતૃત્વ વગરના ૧૧ વર્ષ થયા છે. મોદીજીએ વડાપ્રધાનપદે રહીને ભારતને મજબૂત બનાવ્યું જ છે. પરંતુ મોદીજી વગરનું ગુજરાત ખૂબ જ નબળું પડતું જાય છે.
તટસ્થ રહીને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ગુજરાતે દેશને ખૂબ મજબૂત નેતૃત્વ આપ્યું પણ ભાજપે ગુજરાતમાં તકલાદી-નબળા નેતાઓની ફોજ ઉભી કરી દીધી આ બાબત ગુજરાત માટે આઘાત-જનક અને રાજયને બરબાદ કરનારી છે.
મોદી યુગમાં જ પ્રાંતમાં યોગીજી જેવું તીવ્રત્તમ નેતૃત્વ ઉભર્યુ છે. માત્ર યુપી માટે જ નહિ, સમગ્ર દેશ માટે યોગીજી આશાનું કિરણ બન્યા છે. સવાલ એ થાય છે કે ગુજરાતમાં આક્રમક અને તીવ્રત્તમ નેતાગીરીને ઉભરવા દેવામાં આવતી નથી કે, તેવું કોઇ છે જ નહિ?
રાજયમાં મોદીજીના નેતૃત્વની ધાક હતી. ગુન્હાખોર માનસિકતા ધ્રુજી ગઇ હતી. સરકારની દિશા નિશ્ચિત અને સ્પષ્ટ હતી. રાજયમાં કોમી રમખાણોની પરંપરાને ભુતકાળ બનાવીને મોદીજીએ શાંતિની સ્થાપના કરી નાખી હતી. આ તમામ કારણોથી આજે પણ ગુજરાતમાં મોદીજી લોકપ્રિય છે.
મોદીજી બાદ ગુજરાતમાં જે નેતૃત્વ ભાજપે આપ્યું છે તે અતિ નબળું રહયું છે. ગુજરાતમાં આ નેતાઓ પાસે મોટા પદ હતા અને છે. પણ તેની કોઇ વેલ્યુ ખુદના મત વિસ્તારમાં પણ નથી રાજયના મોટાભાગના ભાજપી નેતાઓ ખુદના જોરે ચૂંટાય તેવા નથી. આવી અશકત નેતાગીરીના વિધર્મીઓ અને પરપ્રાંતીયો ગુજરાતમાં હાહાકાર સર્જવા લાગ્યા છે. સરકાર પાસે કોઇ વિશેષ રણનીતિ કે ડિઝાઇન નથી. નેતાઓનું પોતાની જ સરકારમાં કંઇ ઉપજતું નથી. ગુજરાતનો સમાવેશ જોખમી રાજયમાં થવા લાગ્યો છે. ડ્રગ્સથી માંડીને પાકિસ્તાનની જાસૂસો માટે ગુજરાત સ્વર્ગ બની ગયું છે.
તંત્રનું કામ મારખાવાનું કે સેટિંગ કરી લેવાનું બની ગયું છે. લોકો ફફડી રહયા છે. મુખ્યમંત્રી-ગૃહમંત્રી અને નેતાઓ જલ્સા કરે છે. ગુન્હા ખોરો, ભ્રષ્ટતત્વો તાંડવ કરે છે.
મોદીજી વગરના ૧૧ વર્ષ ગુજરાત માટે ઘાતક સાબિત થયા છે. આશ્ચર્ય એ છે કે, આ સ્થિતિ છતા સંઘ-ભાજપ કે,ખુદ મોદીજી ગુજરાત માટે ગંભીર દેખાતા નથી. ગુજરાતીઓ કેટલું સહન કરી શકે છે. તે બાબત મહત્વની છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
