<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

આખરે પ્રતીક્ષાનો અંત: સચિનના પુત્ર અર્જુન તેંડુલકરનું લખનૌ સુપર જાયન્ટ્સમાં ડેબ્યૂ, પંજાબ કિંગ્સ સામે આખરી જંગમાં મળી પ્લેઇંગ ઇલેવનમાં તક!

આઇપીએલ ૨૦૨૬ની છેલ્લી લીગ મેચમાં લખનૌએ અર્જુન પર ખેલ્યો દાવ, મિશેલ માર્શ ઈજાગ્રસ્ત થતાં અર્શીન કુલકર્ણીનો પણ ટીમમાં સમાવેશ; બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન જાહેર

નવી દિલ્હી: ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના પુત્ર અને ડાબોડી ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરના ચાહકો માટે આખરે ખૂબ જ ઉત્સાહજનક સમાચાર આવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬ની સીઝનમાં અત્યાર સુધી બેન્ચ પર બેસી રહેલા અર્જુન તેંડુલકરને આખરે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમવાની સુવર્ણ તક મળી ગઈ છે. સીઝનની પોતાની આખરી મેચમાં લખનૌની ફ્રેન્ચાઇઝીએ પંજાબ કિંગ્સ (PBKS) સામે અર્જુનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરીને આઇપીએલ ૨૦૨૬માં ડેબ્યૂ કરવાની તક આપી છે.

લખનૌ સુપર જાયન્ટ્સે અર્જુન તેંડુલકરને ₹૩૦ લાખની કિંમતે ટ્રેડ વિન્ડો દ્વારા મુંબઈ ઇન્ડિયન્સમાંથી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, ટૂર્નામેન્ટની શરૂઆતમાં તેને તક મળી ન હતી. હાલમાં લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં ૧૦મા સ્થાને હોવાથી અને પ્લેઓફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ગઈ હોવાથી, ટીમ મેનેજમેન્ટે ભવિષ્યની તૈયારીના ભાગરૂપે બેન્ચ સ્ટ્રેન્થને અજમાવવાનું નક્કી કર્યું છે. અર્જુન આ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે, જ્યાં તેણે પોતાની આઇપીએલ કારકિર્દીની ૬ મેચોમાં ૩ વિકેટ ઝડપી છે અને બેટ વડે ૧૩ રન બનાવ્યા છે.

મિશેલ માર્શ આઉટ થતાં લખનૌને મોટો ઝટકો

પંજાબ કિંગ્સ સામેના આ મહત્વના મુકાબલા પહેલા લખનૌની ટીમને મોટો આંચકો લાગ્યો હતો. ચાલુ સીઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલો ઓલરાઉન્ડર મિશેલ માર્શ ઈજાના કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને લખનૌએ પ્લેઇંગ ઇલેવનમાં અર્શીન કુલકર્ણીને સ્થાન આપ્યું છે.

આ રોમાંચક મુકાબલા માટે બંને ટીમોની સત્તાવાર પ્લેઇંગ ઇલેવન અને ઇમ્પેક્ટ પ્લેયર્સની યાદી નીચે મુજબ જાહેર કરવામાં આવી છે:

પંજાબ કિંગ્સ (PBKS) ની પ્લેઇંગ ઇલેવન:

પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો જોન્સન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

·         ઇમ્પેક્ટ પ્લેયર્સ: હરપ્રીત બ્રાર, માર્કસ સ્ટોઇનિસ, ઝેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, પ્રવીણ દુબે.

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની પ્લેઇંગ ઇલેવન:

જોશ ઇંગ્લિસ, અર્શિન કુલકર્ણી, નિકોલસ પૂરન, આયુષ બદોની, ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, મોહસીન ખાન.

·         ઇમ્પેક્ટ પ્લેયર્સ: શાહબાઝ અહેમદ, દિગ્વેશ સિંહ રાઠી, મણિમરણ સિદ્ધાર્થ, હિંમત સિંહ, આકાશ મહારાજ સિંહ.

હવે આ મેચમાં સચિનનો પુત્ર અર્જુન પોતાની ધારદાર બોલિંગ અને વિસ્ફોટક બેટિંગથી લખનૌ માટે કેવું પ્રદર્શન કરે છે, તેના પર દેશભરના ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે.

(9:10 PM IST)