<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

દિલ્હીના રસ્તા પર બાઈક દોડાવતો દેખાયો 'વિરાટ કોહલી': RCB ના ખેલાડી ટીમ ડેવિડે બસમાંથી વીડિયો ઉતાર્યો, સત્ય સામે આવતા ખેલાડીઓ હસી-હસીને લોથપોથ

ટીમ બસની બાજુમાં જ વિરાટ જેવો દેખાતો શખ્સ હેલ્મેટ વગર બાઈક ચલાવતો હતો; રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ વીડિયો શેર કરી ફેન્સને હેલ્મેટ પહેરવાની આપી સલાહ

નવી દિલ્હી: આઈપીએલ 2026 ના જંગ વચ્ચે સોશિયલ મીડિયા પર એક અત્યંત રમુજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ના વિસ્ફોટક બેટ્સમેન ટીમ ડેવિડે દિલ્હીના રસ્તા પર બનેલી એક ઘટના શેર કરી છે. દિલ્હીમાં મેચ રમીને જ્યારે RCB ની ટીમ બસમાં પરત ફરી રહી હતી, ત્યારે ટીમ ડેવિડની નજર બસની બારી બહાર ગઈ અને તે ચોંકી ગયો. તેને લાગ્યું કે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ટીમ બસની બાજુમાં જ બાઈક ચલાવી રહ્યો છે!
ટીમ ડેવિડે તરત જ પોતાનો ફોન કાઢીને બસની અંદરથી પેલી વ્યક્તિનો વીડિયો શૂટ કરી લીધો. બસની અંદર વિરાટ કોહલી પોતાની સીટ પર ન દેખાતા ડેવિડને લાગ્યું કે વિરાટ ખરેખર બાઈક પર સવાર છે. તેણે ઉત્સાહમાં આવીને આ વીડિયો અન્ય ખેલાડીઓને બતાવ્યો. જોકે, જ્યારે ખેલાડીઓએ વીડિયો ધ્યાનથી જોયો ત્યારે આખી બસમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. વીડિયોમાં દેખાતો શખ્સ વિરાટ કોહલી નહીં, પણ તેનો હૂબહૂ 'લૂક-અલાઈક' (ડુપ્લિકેટ) હતો.
મજેદાર વાત એ છે કે, આ વિરાટનો ડુપ્લિકેટ હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવી રહ્યો હતો. અગાઉ પણ આ શખ્સ રોહિત શર્માના ડુપ્લિકેટ સાથે બાઈક પર દેખાયો હતો અને તે વીડિયો પણ વાયરલ થયો હતો. RCB એ આ વીડિયો પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા રમુજી અંદાજમાં એક ગંભીર સંદેશ પણ આપ્યો છે. ફ્રેન્ચાઈઝીએ કેપ્શનમાં લખ્યું છે કે, "બાઈક ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરો."
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને ફેન્સ વિરાટના આ ડુપ્લિકેટને જોઈને જાતભાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. ટીમ ડેવિડે શેર કરેલો આ કિસ્સો દર્શાવે છે કે આઈપીએલના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ ખેલાડીઓ કેવી રીતે હળવી પળો માણી રહ્યા છે. અત્યારે તો દિલ્હીના રસ્તા પરનો આ 'નકલી વિરાટ' અસલી વિરાટ કરતા પણ વધુ ચર્ચામાં છે!

(6:53 PM IST)