News of Sunday, 23rd August 2026
બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને ઈનિંગ્સ અને 51 રનથી હરાવી ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ મેચને માત્ર 2 દિવસમાં જ પતાવી દીધ
મેક્કે ટેસ્ટમાં કાંગારુઓએ બાંગ્લાદેશને માત્ર 750 બોલની અંદર એક ઈનિંગ્સ અને 51 રનથી મહાત આપી:મિચેલ સ્ટાર્કે આ મેચમાં 10 વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યું

ક્રિકેટનાં સૌથી લાંબા ફોર્મેટ એટલે કે ટેસ્ટ મેચનો રોમાંચ એક અલગ જ સ્તરનો હોય છે. પરંતુ મેક્કેમાં રમાયેલ બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઈનિંગ્સ અને 51 રનથી હરાવી ઓસ્ટ્રેલિયા એ 5 દિવસ સુધી ચાલનારી ટેસ્ટ મેચને માત્ર 2 દિવસમાં જ પતાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ આ ટેસ્ટ મેચ હવે ઈતિહાસની 5 સૌથી નાની ટેસ્ટ મેચમાં સામેલ થઈ છે. આ લિસ્ટમાં સામેલ થતા જ મુકાબલા અંગે ક્રિકેટ જગતમાં ચર્ચા થવા લાગી છે.
મેક્કે ટેસ્ટમાં કાંગારુઓએ બાંગ્લાદેશને માત્ર 750 બોલની અંદર એક ઈનિંગ્સ અને 51 રનથી મહાત આપી હતી. મિચેલ સ્ટાર્કે આ મેચમાં 10 વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશની ટીમ બંને ઈનિંગ્સમાં અનુક્રમે 64 અને 95 રન જ કરી શકી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા એ 210 રન કર્યા હતા. સંપૂર્ણ મેચમાં માત્ર 4સેશનની રમત રમાઈ હતી અને 30 વિકેટ પડી હતી.
મેચનાં આટલી ઝડપથી પૂર્ણ થવા બદલ ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ઓપનર જસ્ટિન લેંગરે વિરોધ નોંધાવ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, માત્ર 2 દિવસમાં ટેસ્ટ મેચ પૂર્ણ થવી એ ચલાવી લેવાય એમ નથી. તેના કારણે માત્ર દર્શકો જ નહીં પરંતુ મેચ જોવા આવી રહેલા નાના બાળકો પણ નિરાશ થતા હોય છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને પણ મોટું આર્થિક નુકસાન થાય છે.
ઈતિહાસની સૌથી નાની ટેસ્ટ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2024માં કેપ ટાઉન ખાતે રમાઈ હતી. તે મેચમાં માત્ર 642 બોલમાં જ પરિણામ આવ્યું હતું. આ મેચમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ જોવા મળી હતી અને ભારતીય ટીમે તે મેચ 7 વિકેટથી સરળતાથી જીતી હતી. તે પછીની બીજી સૌથી નાની મેચ 1932માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકા વચ્ચે (માત્ર 656 બોલ) રમાઈ હતી.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
