<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

દિવ્‍યાંગ ખેલાડીઓનો દમદાર દાવઃ એશિયન પેરા ગેમ્‍સમાં ભારતે રચ્‍યો ઇતિહાસ

૧૧૪ ચંદ્રકો સાથે ભારતનો અત્‍યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ : ૩૦ સુવર્ણ, ૩૫ રજત અને ૪૯ કાંસ્‍ય ચંદ્રક જીતીને ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું

નવી દિલ્‍હી : સંઘર્ષને શક્‍તિમાં અને મર્યાદાઓને સફળતામાં ફેરવવાની પ્રેરણાદાયી ગાથા ભારતીય દિવ્‍યાંગ ખેલાડીઓએ એશિયન પેરા ગેમ્‍સમાં લખી છે. જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાયેલી એશિયન પેરા ગેમ્‍સમાં ભારતીય ખેલાડીઓએ અત્‍યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં કુલ ૧૧૪ ચંદ્રકો જીતીને દેશનું નામ રોશન કર્યું છે. ભારતે ૩૦ સુવર્ણ, ૩૫ રજત અને ૪૯ કાંસ્‍ય ચંદ્રકો સાથે અગાઉનો પોતાનો જ વિક્રમ તોડી નાખ્‍યો છે. વર્ષ ૨૦૨૩માં હાંગઝોઉ ખાતે યોજાયેલી સ્‍પર્ધામાં ભારતે ૧૦૮ ચંદ્રકો જીત્‍યા હતા, જયારે આ વખતે છ ચંદ્રકો વધુ જીતીને નવો ઇતિહાસ રચ્‍યો છે.

ભારતના આ શાનદાર અભિયાનમાં ખેલાડીઓએ માત્ર ચંદ્રકો જ જીત્‍યા નથી, પરંતુ અનેક સ્‍પર્ધાઓમાં નવા વિક્રમો પણ સ્‍થાપિત કર્યા છે. ખાસ વાત એ છે કે અગાઉની સ્‍પર્ધા કરતાં લગભગ અડધી સંખ્‍યાના ૧૬૮ ખેલાડીઓના ભારતીય દળે આ વખતે મેદાનમાં ઉતરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. ભારત ચંદ્રક યાદીમાં ચોથા સ્‍થાને રહ્યું હતું.

ભાલાફેંકની સ્‍પર્ધામાં ભારતે એક જ ઇવેન્‍ટમાં સુવર્ણ, રજત અને કાંસ્‍ય એમ ત્રણેય ચંદ્રકો જીતીને ઐતિહાસિક સફળતા મેળવી હતી. સુમિત અંતિલે ૭૨.૪૬ મીટરના શાનદાર થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીત્‍યો હતો. મહેન્‍દ્ર ગુર્જરે ૫૯.૦૩ મીટરના પ્રદર્શન સાથે રજત ચંદ્રક મેળવ્‍યો, જયારે સંદીપ સંજય સરગરે ૬૪.૪૮ મીટરના થ્રો સાથે કાંસ્‍ય ચંદ્રક જીત્‍યો હતો. આ સફળતાએ ભારતીય પેરા એથ્‍લેટિક્‍સની તાકાતનો પરિચય આપ્‍યો હતો.

ભારતીય ખેલાડીઓએ એથ્‍લેટિક્‍સ ઉપરાંત બેડમિન્‍ટન, તીરંદાજી અને શૂટિંગમાં પણ નોંધપાત્ર સફળતા મેળવી હતી. મહિલા પેરા શૂટર મોના અગ્રવાલે ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન્‍સ સ્‍પર્ધામાં ૩૫૭.૫ પોઇન્‍ટ સાથે વિશ્વવિક્રમ સ્‍થાપિત કરીને સુવર્ણ ચંદ્રક જીત્‍યો હતો. આ સ્‍પર્ધામાં તેની બીજી સુવર્ણ સફળતા હતી.

બીજી તરફ, સંદીપે ૪૦૦ મીટર દોડમાં ૫૨.૨૮ સેકન્‍ડના સમય સાથે સુવર્ણ ચંદ્રક જીત્‍યો હતો અને વિશ્વવિક્રમ નોંધાવ્‍યો હતો. હેનીએ ભાલાફેંકમાં ૬૦.૪૯ મીટરના પ્રદર્શન સાથે વિશ્વવિક્રમ સ્‍થાપિત કરીને સુવર્ણ ચંદ્રક મેળવ્‍યો હતો. ક્‍લબ થ્રોમાં પ્રણવ સૂરમાએ ૩૨.૮૭ મીટરના પ્રદર્શન સાથે સ્‍પર્ધાનો નવો વિક્રમ રચ્‍યો હતો.

બેડમિન્‍ટનમાં નિતેશ કુમારે પોતાના જ દેશના પ્રમોદ ભગતને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્‍યો હતો. મહિલા ડબલ્‍સમાં તુલસીમતી મુરુગેસન અને માનસી જોશીની જોડીએ પણ સુવર્ણ સફળતા મેળવી હતી. તીરંદાજીમાં હરવિંદર સિંહ અને વિજય શુંડીએ પુરુષોની રિકર્વ ડબલ્‍સ સ્‍પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ભારતને ગૌરવ અપાવ્‍યું હતું.

  

 

(10:59 AM IST)