News of Saturday, 18th April 2026
મુંબઈ ઈન્ડિયન્સમાં ભડકો: વિકેટ માટે તરસતા જસપ્રીત બુમરાહ મેદાન પર સાતમા આસમાને, ગુસ્સામાં રન-અપ માર્કર ફેંકીને કાઢી હૈયાવરાળ!
હાર્દિકની કેપ્ટનશીપમાં મુંબઈનું સુકાન જોખમમાં: પાંચ મેચમાં માત્ર એક જીત અને બુમરાહનું કથળતું ફોર્મ ચિંતાનો વિષય, વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો ખળભળાટ

રાજકોટ : આઈપીએલ 2026ની સીઝન પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી સાબિત થઈ રહી નથી. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ મેદાન પર સંઘર્ષ કરતી જોવા મળી રહી છે, પરંતુ સૌથી મોટો આંચકો ટીમના મુખ્ય હથિયાર એવા જસપ્રીત બુમરાહના ફોર્મને લઈને લાગ્યો છે. અત્યાર સુધીની પાંચ મેચોમાં એક પણ વિકેટ ન મળતા બુમરાહનો સંયમ ખૂટ્યો હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
મેદાન પર બુમરાહનો આક્રોશ વાયરલ
12 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે રમાયેલી મેચ દરમિયાન બુમરાહનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે ફેન્સને ચોંકાવી દીધા છે. આ મેચમાં બુમરાહે 4 ઓવરમાં 35 રન ખર્ચ્યા હતા પરંતુ તેને એક પણ સફળતા મળી નહોતી. એક ઓવરમાં રન પડતા જ બુમરાહ સાતમા આસમાને પહોંચ્યો હતો અને તેણે ગુસ્સામાં આવીને પોતાનું રન-અપ માર્કર મેદાન પર ફેંકી દીધું હતું. હંમેશા શાંત દેખાતા બુમરાહની આ વિચિત્ર પ્રતિક્રિયા દર્શાવે છે કે તે અત્યારે કેટલા ભારે માનસિક દબાણ હેઠળ રમી રહ્યો છે.
કેપ્ટનશીપ વિવાદ અને પ્રદર્શન પર અસર
સોશિયલ મીડિયા પર ફેન્સ આ ગુસ્સાને મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટ અને કેપ્ટનશીપના વિવાદ સાથે જોડી રહ્યા છે. અનેક યુઝર્સનું માનવું છે કે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા બાદ ટીમનું આંતરિક વાતાવરણ ડહોળાયું છે, જેની સીધી અસર બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીના પ્રદર્શન પર પડી રહી છે. વીડિયોમાં બુમરાહ જે રીતે નિરાશ દેખાઈ રહ્યો છે તે જોઈને ક્રિકેટ પ્રેમીઓ પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
પોઈન્ટ ટેબલમાં મુંબઈની કફોડી હાલત
IPL 2026 ના પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યારે છેક 9મા ક્રમે ફેંકાઈ ગઈ છે. પાંચ મેચોમાંથી ચારમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને ટીમ પાસે માત્ર 2 પોઈન્ટ છે. જો મુંબઈને પ્લેઓફની રેસમાં ટકી રહેવું હોય તો હવે બાકીની તમામ મેચોમાં ‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં રમવું પડશે.
દુનિયાનો સર્વશ્રેષ્ઠ બોલર ગણાતો બુમરાહ જ્યારે વિકેટ માટે ફાંફા મારતો હોય ત્યારે મુંબઈ માટે વાપસી કરવી લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે આગામી મેચોમાં બુમરાહ ફરી પોતાની જૂની લય મેળવી શકે છે કે નહીં.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
