News of Tuesday, 12th May 2026
IPLનો 'વન્ડર બોય' હવે રસોડામાં: 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ બેટ છોડી વેલણ પકડ્યું, ગોળ રોટલી વણતો વિડિયો થયો વાયરલ!
માસ્ટરશેફ અવતાર: "મમ્મી કરતા પણ વધુ ગોળ રોટલી બનાવી છે" - કહીને વૈભવે જમાવી રમઝટ, રોટલી હવામાં ઉછાળવા જતાં થયો રમુજી કાંડ - રાજસ્થાન રોયલ્સના ઓપનરની માસૂમિયતે ચાહકોના દિલ જીત્યા

અમદાવાદ : આઈપીએલ 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી દિગ્ગજ બોલરોના છક્કા છોડાવનાર 15 વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી અત્યારે મેદાનની બહાર એક અલગ જ કારણસર ચર્ચામાં છે. રાજસ્થાન રોયલ્સના આ આક્રમક ઓપનરે મેદાન પર બોલરોને 'વણવા'ને બદલે રસોડામાં રોટલી વણવાનું શરૂ કર્યું છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો તેનો 'માસ્ટરશેફ' અવતાર અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
"મમ્મી કરતા પણ ગોળ રોટલી!"
વાયરલ વિડિયોમાં વૈભવ પૂરા આત્મવિશ્વાસ સાથે રોટલી વણતો જોવા મળે છે. રોટલી વણતા વણતા તે મજાકિયા અંદાજમાં કહે છે કે, "આ તો મમ્મી બનાવે છે તેના કરતા પણ વધુ ગોળ રોટલી છે!" જોકે, મજા તો ત્યારે આવી જ્યારે વૈભવે કોઈ પ્રોફેશનલ શેફની જેમ રોટલીને હવામાં ઉછાળવાનો પ્રયાસ કર્યો. પણ અફસોસ, રોટલી સીધી જમીન પર જઈ પડી! વૈભવના આ રમુજી એક્સપ્રેશન્સે નેટિઝન્સને હસવા પર મજબૂર કરી દીધા છે અને ફેન્સ તેને 'પરફેક્ટ ઓલરાઉન્ડર' કહી રહ્યા છે.
મેદાન પર પણ મચાવી છે ધૂમ
વૈભવ માત્ર વેલણ જ નહીં, બેટ પણ તેટલું જ શાનદાર ચલાવે છે. ચાલુ સીઝનમાં તેણે અત્યાર સુધી 11 મેચમાં 400થી વધુ રન ફટકારીને બધાને ચોંકાવી દીધા છે. ખાસ કરીને પાવરપ્લેમાં તેની આક્રમક બેટિંગ રાજસ્થાન રોયલ્સ માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ રહી છે. તેની રમત જોતા લાગે છે કે તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે.
રાજસ્થાન માટે 'કરો કે મરો'નો જંગ
એક તરફ વૈભવનો વિડિયો મનોરંજન પૂરું પાડી રહ્યો છે, તો બીજી તરફ રાજસ્થાન રોયલ્સની સફર મુશ્કેલ બની છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આજે (12 મે) અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચ જીતવી તેમના માટે ખૂબ જ જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે 'શેફ' બનેલો વૈભવ આજે ગુજરાતના બોલરોને મેદાન પર કેવી રીતે 'વણે' છે!
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
