News of Saturday, 25th April 2026
IPL 2026 : જયપુરમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા : સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને હરાવી જીતનો ‘ચોગ્ગો’ લગાવ્યો : વૈભવ સૂર્યવંશીની શાનદાર સદી એળે ગઈ
રાજસ્થાનના ૨૨૮ રનના પહાડી લક્ષ્યાંકને હૈદરાબાદે માત્ર ૧૮.૩ ઓવરમાં આંબી લીધો : ઈશાન કિશન અને અભિષેક શર્માની તોફાની અડધી સદીઓએ મેચ પલટી નાખી

જયપુર:આઈપીએલ ૨૦૨૬ના ૩૬મા રોમાંચક મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને તેમના જ ઘરઆંગણે ૫ વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત હાંસલ કરી છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં રનનો વરસાદ જોવા મળ્યો હતો, જેમાં રાજસ્થાનના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ માત્ર ૩૭ બોલમાં ૧૦૩ રનની વિસ્ફોટક સદી ફટકારી હોવા છતાં તેની મહેનત એળે ગઈ હતી. હૈદરાબાદે ૨૨૯ રનનો ટાર્ગેટ ૯ બોલ બાકી રહેતા ૧૮.૩ ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો.
વૈભવની આક્રમક સદી અને રાજસ્થાનનો તોતિંગ સ્કોર:
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત મધ્યમ રહી હતી. યશસ્વી જાયસ્વાલ ૧૦ રને આઉટ થયા બાદ વૈભવ સૂર્યવંશીએ મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેણે પોતાની ૧૦૩ રનની ઇનિંગમાં ૫ ચોગ્ગા અને ૧૨ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. તેને ધ્રુવ જુરેલે ૩૫ બોલમાં ૫૧ રન બનાવીને સાથ આપ્યો હતો. અંતિમ ઓવરોમાં ડોનોવન ફરેરાના ૩૩ રનની મદદથી રાજસ્થાને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૨૮ રનનો પહાડી સ્કોર ઉભો કર્યો હતો. હૈદરાબાદ તરફથી બોલિંગમાં ઈશાન મલિંગાએ ૨ વિકેટ જ્યારે પેટ કમિન્સ, પ્રફુલ્લ હિંગે, સાકિબ હુસૈન અને નીતિશ રેડ્ડીએ ૧-૧ વિકેટ ઝડપી હતી.
હૈદરાબાદનો વળતો પ્રહાર - ઈશાન અને અભિષેકનો પાવરપ્લે:
૨૨૯ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટ્રેવિસ હેડ માત્ર ૬ રને પેવેલિયન ભેગો થયો હતો. જોકે, ત્યારબાદ ઈશાન કિશન અને અભિષેક શર્માએ મેદાન ગજવ્યું હતું. બંને વચ્ચે બીજી વિકેટ માટે માત્ર ૫૫ બોલમાં ૧૩૨ રનની વિસ્ફોટક ભાગીદારી થઈ હતી. ઈશાન કિશને ૩૧ બોલમાં સર્વાધિક ૭૪ રન ફટકાર્યા હતા, જ્યારે અભિષેક શર્માએ ૨૯ બોલમાં ૫૭ રનનું યોગદાન આપ્યું હતું. મધ્યમ ક્રમમાં નીતિશ રેડ્ડીએ ૧૮ બોલમાં ૩૬ અને હેનરિક ક્લાસેને ૨૪ બોલમાં ૨૯ રન બનાવી જીત નિશ્ચિત કરી હતી.
કેપ્ટન પેટ કમિન્સનું પુનરાગમન:
આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ એશઝ ટેસ્ટ બાદ લાંબા સમય પછી સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફર્યો હતો. પીઠની ઈજાને કારણે લાંબો સમય બહાર રહ્યા બાદ કમિન્સે દિલશાન મદુશંકાના સ્થાને ટીમમાં પુનરાગમન કરી જીત સાથે આગાઝ કર્યો છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર અને નંદ્રે બર્ગર જેવા દિગ્ગજ બોલરો હૈદરાબાદના બેટરોને રોકવામાં નિષ્ફળ સાબિત થયા હતા. આ જીત સાથે હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
