News of Tuesday, 14th April 2026
IPL 2026 : ચેન્નાઈ સુપર કિંગ્સનો સતત બીજો વિજય.: કોલકાતા નાઈટ રાઈડર્સની હાલત કફોડી : ૩૨ રનથી હારતા હજુ સુધી જીતનું ખાતું પણ ન ખુલ્યું
ચેપોક સ્ટેડિયમમાં સંજુ સેમસન અને આયુષ મ્હાત્રેની શાનદાર બેટિંગ બાદ બોલરોએ તરખાટ મચાવ્યો : અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળની કેકેઆરની ટીમ ૧૯૩ રનના લક્ષ્યાંક સામે ૧૬૦ રન જ બનાવી શકી

ચેન્નાઈ: આઈપીએલ ૨૦૨૬ના ૨૨માં મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા કોલકાતા નાઈટ રાઈડર્સને (KKR) ૩૨ રને પરાજય આપ્યો છે. ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સીએસકેએ સતત બીજી જીત નોંધાવી છે, જ્યારે બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સીઝન અત્યાર સુધી નિરાશાજનક રહી છે અને ટીમ હજુ પણ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે.
સીએસકેના બેટર્સનો દબદબો:
કેકેઆરના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈની શરૂઆત ઝડપી રહી હતી, જોકે કેપ્ટન રુતુરાજ ગાયકવાડ માત્ર ૭ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ આયુષ મ્હાત્રેએ ૩૮ રન અને સંજુ સેમસને ૩૨ બોલમાં ૩૮ રનની મક્કમ ઈનિંગ રમી હતી. સંજુ સેમસનને કાર્તિક ત્યાગીએ ૧૪૮.૧ કિમીની ઝડપે ફેંકેલા બોલ પર ક્લીન બોલ્ડ કર્યો હતો. મધ્યક્રમમાં સરફરાઝ ખાન અને ડેવાલ્ડ બ્રેવિસે બાજી સંભાળી ટીમને ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૯૨ રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.
કેકેઆરની બોલિંગ અને બેટિંગમાં નિષ્ફળતા:
કેકેઆર તરફથી કાર્તિક ત્યાગીએ ૪ ઓવરમાં ૩૫ રન આપી ૨ મહત્વની વિકેટ ઝડપી હતી. સુનીલ નરેને કરકસરયુક્ત બોલિંગ કરતા ૨૧ રન આપી ૧ વિકેટ લીધી હતી, જ્યારે વૈભવ અરોરા ૫૫ રન આપી ઘણો મોંઘો સાબિત થયો હતો. ૧૯૩ રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. રહાણેની આગેવાની હેઠળની બેટિંગ લાઈનઅપ ચેન્નાઈના બોલરો સામે ટકી શકી નહોતી અને નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી માત્ર ૧૬૦ રન જ બનાવી શકી હતી.
ટીમ લાઈનઅપ:
ચેન્નાઈ સુપર કિંગ્સ: સંજુ સેમસન (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, ડેવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુરજાપનીત સિંહ, ખલીલ અહમદ.
કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમેરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનીલ નરેન, રમનદીપ સિંહ, અનુકૂલ રોય, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
