News of Thursday, 22nd October 2026
પ્રથમ T20માં ભારતનો ધમાકેદાર વિજય: ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવી 226 રનનો વિશાળ લક્ષ્યાંક પાર કર્યો
સંજુ સેમસનની તોફાની અડધી સદી અને અંક અંતિમ ઓવરોમાં નમન ધીરના 15 બોલમાં અણનમ 42 રન : ફિલિપ્સની 82 રનની ઈનિંગ એળે ગઈ

નવી દિલ્હી: હેગલી ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું. 226 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું. લક્ષ્યનો પીછો કરતા સંજુ સેમસન અને અભિષેક શર્માએ ભારતીય ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી, માત્ર 5.5 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 93 રન ઉમેર્યા. અભિષેક 12 બોલમાં 29 રન બનાવી આઉટ થયો, જેમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ત્રીજા નંબર પર બઢતી પામેલા તિલક વર્મા બેટિંગમાં સારું પ્રદર્શન કરી શક્યા નહીં, માત્ર 6 રન બનાવી શક્યા. સંજુ સેમસન 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, 33 બોલમાં 67 રન બનાવી, જેમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. ઇશાન કિશનનું બેટ શાંત રહ્યું, ફક્ત એક રન બનાવી શક્યું. અક્ષર પટેલે કેટલાક શક્તિશાળી શોટ રમ્યા અને 14 બોલમાં 24 રન બનાવી આઉટ થયો. શ્રેયસ ઐયરે કેપ્ટનની ઈનિંગ રમી અને નમન ધીર સાથે મળીને તેણે 22 બોલમાં 43 રન બનાવ્યા. ઐયરે 28 બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા.નમન ધીરે અંતિમ ઓવરોમાં શાનદાર બેટિંગ કરી, માત્ર 15 બોલમાં અણનમ 42 રન બનાવ્યા. તેણે 280 ના સ્ટ્રાઈક રેટથી રમતા પોતાની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. નીતિશ કુમાર રેડ્ડી બે રન બનાવીને અણનમ રહ્યા. ન્યૂઝીલેન્ડ માટે માઈકલ બ્રેસવેલ અને કેપ્ટન મિશેલ સેન્ટનરે બે-બે વિકેટ લીધી.અગાઉ, ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા. ટિમ સીફર્ટ અને ફિન એલને ટીમને સારી શરૂઆત આપી, પ્રથમ વિકેટ માટે 49 રન ઉમેર્યા. સીફર્ટે 17 બોલમાં 24 રન બનાવ્યા. આ દરમિયાન, એલન 24 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 45 રન બનાવીને આઉટ થયો. ડેરિલ મિશેલે 28 રનનું યોગદાન આપ્યું, જ્યારે બેવન જેકબ્સે 16 બોલમાં 31 રન બનાવ્યા.ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે એક છેડો પકડી રાખ્યો અને માત્ર 40 બોલમાં 205 ના સ્ટ્રાઇક રેટથી અણનમ 82 રન બનાવ્યા. ફિલિપ્સે તેની ઇનિંગ્સમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ભારતીય બોલરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. અર્શદીપ સિંહ, મયંક યાદવ અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
