<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા વ્હીલચેરમાં નજરે પડ્યા, વીડિયો જોઈ ચાહકોના હૃદય હચમચી ગયા

ગંભીર ઈજાના કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ ફાઇનલમાંથી બહાર થયેલા ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનો એરપોર્ટ પરનો દુઃખદ વીડિયો વાયરલ થયો છે.

બેંગલુરુ : ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર અને ગોલ્ડન બોય તરીકે જાણીતા નીરજ ચોપરા પ્રેક્ટિસ દરમિયાન પગની ઘૂંટીના લિગામેન્ટમાં ગંભીર ઈજા થવાને કારણે આગામી એશિયન ગેમ્સ અને ૫ સપ્ટેમ્બરે યોજાનારી ડાયમંડ લીગ ફાઇનલ સહિત ૨૦૨૬ સીઝનની બાકીની તમામ સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયા છે, અને હાલમાં તેમનો એરપોર્ટ પર વ્હીલચેર અને કાખઘોડી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ છે.

ખેલ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલા આ વાયરલ વીડિયોમાં નીરજ ચોપરા વ્હીલચેરમાં બેઠેલા, ડાબા પગ પર પાટો બાંધેલો અને હાથમાં બે કાખઘોડી પકડેલા નજરે પડે છે, જે દર્શાવે છે કે તેમની ઈજા ધારણા કરતાં ઘણી વધુ ગંભીર છે અને તેમને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે લાંબો સમય આરામ કરવો પડશે.

ખેલાડીએ પોતે સોશિયલ મીડિયા પર ચાહકોને માહિતી આપતા જણાવ્યું હતું કે લૌઝેન ડાયમંડ લીગમાં સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યા બાદ જ્યારે તેઓ પોતાની લય પાછી મેળવી રહ્યા હતા ત્યારે પ્રેક્ટિસ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી, અને ડૉક્ટરોની સલાહ મુજબ હવે તેમનું સંપૂર્ણ ધ્યાન ફિટનેસ પર પરત ફરીને વધુ મજબૂત સાથે મેદાન પર કમબેક કરવા પર છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ અને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કરનાર નીરજ ચોપરાની આ ઈજા ભારત માટે એક મોટો ફટકો છે, કારણ કે એશિયન ગેમ્સમાં તેમના તરફથી સુવર્ણ ચંદ્રકની પ્રબળ અપેક્ષા હતી, ત્યારે હવે રમતપ્રેમીઓ તેમના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

(12:47 PM IST)