<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

રાજકોટમાં ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમનો ઐતિહાસિક વિજય: ઑસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરી સિરીઝ પર કબ્જો જમાવ્યો

યશબર્ધન ચૌહાણની ધમાકેદાર સદી અને કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાનો ૧૦૨ રને વિજય: રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગના પુત્રોનું પણ મેદાન પર પ્રદર્શન

રાજકોટ :ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ રોમાંચક અને ગર્વ લેવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ખાતે રમાઈ રહેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની અન્ડર-19 વન-ડે સિરીઝમાં ભારતીય યુવા ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને શ્રણી પર કબજો કરી લીધો છે. ત્રણ મેચોની આ સિરીઝની પ્રથમ બંને મેચ જીતીને ભારતીય ટીમે અજેય સરસાઈ મેળવી લીધી છે અને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. સોમવારે રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાડી હતી.

 

આ મેચમાં નાગાલૅન્ડના પ્રતિભાશાળી રાઇટ-હૅન્ડ ઑલરાઉન્ડર યશબર્ધન ચૌહાણે કમાલ કરી બતાવી હતી. તેણે માત્ર ૧૦૦ બૉલમાં ૨ છગ્ગા અને ૧૫ ચોગ્ગાની મદદથી આક્રમક ૧૨૨ રનની શાનદાર સદી ફટકારી હતી. તેની સાથેસાથે વી. કે. વિનીતે પણ ઉત્તમ બેટિંગ કરીને ૮૭ રનનું યોગદાન આપ્યું હતું. આ બંને ખેલાડીઓની ઘાતક બેટિંગના દમ પર ભારતે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૪૧ રનનો વિશાળ સ્કોર ખડો કર્યો હતો. જવાબમાં ૩૪૨ રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી નહોતી અને ૨૩9 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ, કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીની આગેવાની હેઠળ ભારતીય ટીમે ૧૦૨ રને ભવ્ય વિજય મેળવ્યો હતો.

 

દિગ્ગજોના પુત્રો પણ મેદાન પર દેખાઈ રહ્યા છે ખાસ ચમકારો

 

આ સિરીઝનું એક વધારાનું આકર્ષણ ભારતીય ક્રિકેટના બે મહાન દિગ્ગજોના પુત્રોની ઉપસ્થિતિ છે. ભારતીય ટીમના દીગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડનો વિકેટકીપર-પુત્ર અન્વય દ્રવિડ અને વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગનો દીકરો આર્યવીર સેહવાગ. સોમવારની મેચમાં ભલે આ બંને ખેલાડીઓ મોટો સ્કોર ન કરી શક્યા હોય, પરંતુ શુક્રવારે રમાયેલી પ્રથમ મૅચમાં જુનિયર દ્રવિડે ૩૮ રન અને જુનિયર સેહવાગે ૨૮ રનની ઉપયોગી ઇનિંગ્સ રમીને ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. યુવા ખેલાડીઓના આ શાનદાર દેખાવથી ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું સાબિત થઈ રહ્યું છે.

(8:22 PM IST)