<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ઝિમ્બાબ્વે સામે જંગ માટે ભારતીય ટીમની જાહેરાત: આઉટ-ઓફ-ફોર્મ સંજુ સેમસનની રજા, રિંકુ સિંહ અને એક્સપ્રેસ ગન મયંક યાદવનું ટીમમાં ધમાકેદાર પુનરાગમન

ટી૨૦ શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં મોટો ફેરબદલ: અશોક શર્મા અને યશ ઠાકુરને પ્રથમ વાર મળ્યો મોકો, શ્રેયસ અય્યરના હાથમાં રહેશે ટીમની કમાન

નવી દિલ્હી : આગામી ૨૩ જુલાઈથી ઝિમ્બાબ્વેના હરારેમાં શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી૨૦ (T20I) આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ૧૫ સભ્યોની મજબૂત ટીમની જાહેરાત કરી દીધી છે. હાલમાં ઇંગ્લેન્ડ સામે રમી રહેલી ટીમની સરખામણીએ આ ટીમમાં પસંદગીકારોએ કડક વલણ અપનાવીને અનેક મોટા ફેરફારો કર્યા છે. સતત ખરાબ ફોર્મ સામે ઝૂઝી રહેલા સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. તેની સાથે જ અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા નિયમિત ખેલાડીઓને પણ આ પ્રવાસમાંથી આરામ અથવા પડતા મૂકવામાં આવ્યા છે.

પસંદગીકારોએ આ વખતે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલ (IPL) માં તરખાટ મચાવનારા યુવા ચહેરાઓ પર મોટો દાવ ખેલ્યો છે. પેસર અશોક શર્મા અને યશ ઠાકુરને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અનુક્રમે ૨૨ અને ૧૮ વિકેટ ઝડપવાના શાનદાર પ્રદર્શન બદલ પ્રથમ વાર ભારતીય ટીમનું પ્રમોશન મળ્યું છે. ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા અશોક શર્માએ આ સીઝનમાં ૧૫૪.૨ કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને સનસનાટી મચાવી દીધી હતી. બીજી તરફ, ફિનિશર રિંકુ સિંહની ટીમમાં વાપસી થતાં મિડલ ઓર્ડર મજબૂત બન્યો છે. એશિયન ગેમ્સ ૨૦૨૩ બાદ વિસ્ફોટક ઓપનર પ્રભસિમરન સિંહને પણ ટીમમાં પાછો બોલાવાયો છે, જે ઇશાન કિશન પછી બેકઅપ વિકેટકીપરની ભૂમિકા ભજવશે.

ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટા સારા સમાચાર એ છે કે ભારતનો સૌથી સ્પીડસ્ટર બોલર મયંક યાદવ લાંબા સમય બાદ ઈજામાંથી મુક્ત થઈને ટીમમાં પરત ફર્યો છે. વર્ષ ૨૦૨૪ બાદ પ્રથમ વાર ટીમમાં વાપસી કરનારો મયંક પોતાની ઘાતક ગતિથી ઝિમ્બાબ્વેના બેટ્સમેનોની કસોટી કરવા તૈયાર છે. આ ઉપરાંત, જૂન મહિનામાં અફઘાનિસ્તાન સામે વન-ડે ડેબ્યૂ કરનારા હર્ષ દુબેને પણ તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના જોરે પ્રથમ વાર ટી૨૦ ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે આઈપીએલ ૨૦store૬ માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે શાનદાર રમત બતાવી હતી.

આ સાથે જ વન-ડે ક્રિકેટ ટીમમાંથી પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત નીતિશ રેડ્ડી ક્વાડ્રિસેપ્સની ઈજામાંથી સમયસર સાજા ન થઈ શકતા, ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે શિવમ દુબેને તેમના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની આ યુવા અને જોશીલી ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે.

ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ, ૨૦૨૬ (મેચ શેડ્યૂલ):

· ૨૩-૦૭-૨૦૨૬: પહેલી ટી૨૦આઈ, હરારે

· ૨૫-૦૭-૨૦૨૬: બીજી ટી૨૦આઈ, હરારે

· ૨૬-૦૭-૨૦૨૬: ત્રીજી ટી૨૦આઈ, હરારે

ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની સંપૂર્ણ ભારતીય ટીમ:

શ્રેયસ ઐયર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).

 

(8:14 PM IST)