News of Wednesday, 9th September 2026
જાપાન એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટરોને નહીં મળે ફાઇવ-સ્ટાર સુવિધા: BCCI એ સ્પષ્ટ કર્યું શા માટે આયોજકોની જ હોટેલમાં રોકાશે ખેલાડીઓ
નાગોયામાં આયોજકો દ્વારા કરાયેલી રહેવાની વ્યવસ્થાથી BCCI સંતુષ્ટ; ઓસાકા કે ટોક્યોની ફાઇવ-સ્ટાર હોટેલ્સ સ્ટેડિયમથી ઘણી દૂર હોવાથી ટીમ ગેમ્સ વિલેજ/નિયુક્ત હોટેલમાં જ રોકાશે

મુંબઈ, તા.૦૯: સામાન્ય રીતે દેશ હોય કે વિદેશ, ભારતીય ક્રિકેટરો માટે હંમેશા લક્ઝુરિયસ અને ફાઇવ-સ્ટાર સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જોકે, આ મહિને જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમને ફાઇવ-સ્ટાર સ્તરની લક્ઝરી સુવિધાઓ નહીં મળે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) એ આ વાતની પુષ્ટિ કરતા સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સની આયોજન સમિતિ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી હોટેલોમાં જ રોકાશે.
અગાઉ એવા અહેવાલો વહેતા થયા હતા કે એશિયન ગેમ્સમાં ખેલાડીઓ માટે રહેવાની યોગ્ય વ્યવસ્થા નથી, પરંતુ BCCI ના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ આ અફવાઓને ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, "જાપાનમાં આયોજકો દ્વારા કરાયેલી વ્યવસ્થા ભલે ફાઇવ-સ્ટાર લેવલની નથી, પરંતુ તે ખૂબ જ ઉત્તમ અને આરામદાયક છે. આયોજકોએ મોકલેલા ફોટોગ્રાફ્સ અને વીડિયો પરથી વ્યવસ્થા પર્યાપ્ત લાગી છે. જો ખેલાડીઓ માટે ફાઇવ-સ્ટાર સુવિધાની જિદ્દ રાખવામાં આવે તો તેમને ટોક્યો કે ઓસાકાની હોટેલમાં રાખવા પડે, જે એશિયન ગેમ્સના મુખ્ય સ્થળથી ખૂબ જ દૂર છે."
જાપાનમાં એશિયન ગેમ્સનો પ્રારંભ ૧૯મી સપ્ટેમ્બરે થશે, પરંતુ ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ ૨૮મી સપ્ટેમ્બરે રમાશે. ભારતીય ટીમ ૨૦મી સપ્ટેમ્બરે જાપાન જવા રવાના થશે અને ૨૨મી સપ્ટેમ્બરે ભારત તથા જાપાનની મેન્સ ટીમ વચ્ચે એક યાદગાર મેચ પણ રમાવાની છે. ઉલ્લેખનીય છે કે ભારત મેન્સ અને વિમેન્સ બંને કેટેગરીમાં એશિયન ગેમ્સનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. વીવીએસ લક્ષ્મણ મેન્સ ટીમના અને અમોલ મુઝુમદાર વિમેન્સ ટીમના હેડ-કોચ તરીકે જવાબદારી સંભાળશે.
એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમો:
• મેન્સ ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સૅમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્ર્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ.
• વિમેન્સ ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), શેફાલી વર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), પ્રતીકા રાવલ, દીપ્તિ શર્મા, ભારતી ફૂલમાલી, શ્રી ચરની, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરૂંધતી રેડ્ડી, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ અને નંદની શર્મા.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
