<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ઐતિહાસિક પળની આરે ભારત: મહિલા હોકી ટીમે સાઉથ કોરિયાને ૨-૦ થી ચટાડી ધૂળ; ૪૪ વર્ષ પછી ગોલ્ડ મેડલ જીતવાથી કેવળ એક ડગલું દૂર!

સેમીફાઇનલમાં ઇશિકા ચૌધરી અને કેપ્ટન સલિમા ટેટેએ નોંધાવ્યા વિજયી ગોલ; શુક્રવારે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીન સામે ખેલાશે મહામુકાબલો

નાગોયા (જાપાન) : જાપાનના નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચવાના આરે પહોંચીને સમગ્ર દેશમાં ઉત્સાહનો મોજો ફેલાવી દીધો છે. બુધવારે યોજાયેલી અત્યંત રોમાંચક સેમીફાઇનલ મેચમાં ભારતે એશિયાની મજબૂત ટીમ સાઉથ કોરિયાને ૨-૦ થી માત આપીને શાનદાર અંદાજમાં ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમ ૪૪ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) જીતવાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે.

 

ઇશિકા અને કેપ્ટન સલિમાનો ધમાકેદાર પ્રદર્શન

 

સાઉથ કોરિયા સામેની આ મહત્વપૂર્ણ સેમીફાઇનલમાં પ્રથમ ત્રણ ક્વાર્ટર સુધી બંને ટીમો વચ્ચે કડક ટક્કર જોવા મળી હતી. પરંતુ ૪૪મી મિનિટમાં ઇશિકા ચૌધરીએ શાનદાર ગોલ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું અને ટીમને ૧-૦ ની સરસાઈ અપાવી હતી. ત્યારબાદ તુરંત જ ૪૮મી મિનિટમાં કેપ્ટન સલિમા ટેટેએ બીજો નિર્ણાયક ગોલ ફટકારીને ભારતની ૨-૦ થી વિજયી સરસાઈ નિશ્ચિત કરી દીધી હતી.

 

૬ મેચમાં ૬૮ ગોલ! ભારતીય મહિલાઓનો પ્રચંડ દબદબો

 

ચાલુ એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમનું પ્રદર્શન વિસ્ફોટક રહ્યું છે. ટીમે ટૂર્નામેન્ટમાં રમેલી તમામ ૬ મેચોમાં જીત મેળવી છે, જેમાં વિરોધી ટીમો સામે કુલ ૬૮ ગોલ નોંધાવ્યા છે અને કેવળ ૩ ગોલ જ આપ્યા છે. આ અગાઉ ભારતીય મહિલા હોકી ટીમે ૧૯૮૨માં દિલ્હી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

શુક્રવારે ફાઇનલમાં ચીન સામે મહાજંગ

 

હવે શુક્રવારે યોજાનારી ગોલ્ડ મેડલ મેચમાં ભારતનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીન સામે થશે. ચીને બીજી સેમીફાઇનલમાં જાપાન સામે ૦-૦ ની બરાબરી બાદ શૂટઆઉટમાં ૪-૨ થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. આખા દેશની નજરો હવે શુક્રવારની ફાઇનલ મેચ પર ટકેલી છે.

(6:28 PM IST)