<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

તીરંદાજી વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે રચ્યો ગોલ્ડન ઇતિહાસ: ધીરજ બોમ્મદેવરાએ રિકર્વ ઇવેન્ટમાં મેળવ્યો સુવર્ણચંદ્રક; આવું કરનાર પ્રથમ ભારતીય તીરંદાજ બન્યો

આંધ્રપ્રદેશના ૨૫ વર્ષીય સ્ટાર તીરંદાજે રોમાંચક શૂટ-ઓફમાં જાપાનના નાકાનિશી જુન્યાને આપી મ્હાત; ૧૩ સપ્ટેમ્બરે ભારતીય રમતગમત જગતે રચ્યા અનેક ઐતિહાસિક કીર્તિમાન

નવી દિલ્હી : ભારતીય રમતગમત જગત માટે ૧૩ સપ્ટેમ્બરનો દિવસ ઈતિહાસના સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે. આંધ્રપ્રદેશના ૨૫ વર્ષીય યુવા ધનુર્ધર ધીરજ બોમ્મદેવરાએ 'તીરંદાજી વર્લ્ડ કપ ફાઇનલ' (Archery World Cup Final) માં પુરુષોની રિકર્વ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને અભૂતપૂર્વ ઈતિહાસ રચી દીધો છે. વર્લ્ડ કપ ફાઈનલમાં પુરુષોની રિકર્વ ઈવેન્ટમાં સુવર્ણચંદ્રક જીતનારો ધીરજ ભારતનો સર્વપ્રથમ તીરંદાજ બની ગયો છે.

 

અત્યંત રોમાંચક અને શ્વાસ અધ્ધર કરી દેનારી ફાઇનલ મેચમાં ધીરજ બોમ્મદેવરાનો સામનો જાપાનના સક્ષમ ખેલાડી નાકાનિશી જુન્યા સામે થયો હતો. બંને ખેલાડીઓ વચ્ચે પોઈન્ટની કડક ટક્કર બાદ મેચ 'શૂટ-ઓફ' (Shoot-off) સુધી પહોંચી હતી, જ્યાં ધીરજે અદ્ભુત ધૈર્ય અને ચોક્કસ નિશાન બતાવીને જાપાની ખેલાડીને પરાસ્ત કર્યો હતો અને દેશ માટે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

 

ભારતીય રમતો માટે 'સુવર્ણ રવિવાર'

ઉલ્લેખનીય છે કે આ રવિવાર ભારતીય સ્પોર્ટ્સ ક્ષેત્રે વિજયનો મોટો તહેવાર સાબિત થયો હતો. એક તરફ ધીરજે તીરંદાજીમાં ઈતિહાસ રચ્યો, તો બીજી તરફ જુનિયર હોકી એશિયા કપ ૨૦૨૬ માં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ પોતપોતાની કેટેગરીમાં ટાઇટલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ મહિલા એશિયા કપ ૨૦૨૬ ની ટ્રોફી પર કબજો જમાવીને દેશવાસીઓની ખુશીઓને બમણી કરી દીધી હતી.

(7:55 PM IST)