<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

આઇસીસી (ICC) ના નવા નિયમથી ક્રિકેટ જગતમાં ભારે હોબાળો: ૨૦૨૭ વનડે વર્લ્ડ કપના ફોર્મેટ સામે એસોસિએટ દેશોનો બળવો; માત્ર બે મેચ રમાડીને ટીમોને બહાર કાઢવાના પક્ષપાતી નિર્ણયથી ખેલાડીઓ લાલઘૂમ!

નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ અને નામિબિયાના કેપ્ટનોએ આઇસીસીને લીધી આડે હાથ; 'સુપર સિરીઝ' ના નામે નાની ટીમોનું સપનું કચડવાનો આક્ષેપ, ફૂટબોલ (FIFA) જેવો મોટો મંચ આપવા ઉઠી માંગ

દુબઈ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ ૨૦૨૭ માં યોજાનારા મેન્સ વનડે વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલા નવા અને સુધારેલા ફોર્મેટને કારણે ક્રિકેટ જગતમાં એક મોટો વિવાદ ઉભો થયો છે. ખાસ કરીને ઉભરતા અને એસોસિએટ ક્રિકેટ રાષ્ટ્રો (જેમ કે નેધરલેન્ડ્સ, નામિબિયા, સ્કોટલેન્ડ) ના ખેલાડીઓ અને વર્લ્ડ ક્રિકેટર્સ એસોસિએશન (WCA) એ આઇસીસી સામે મોરચો માંડ્યો છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નવું ફોર્મેટ નાની અને નવી ટીમોને આગળ આવવાની તકોને સંપૂર્ણપણે મર્યાદિત કરી દેશે અને આ નિર્ણય લેતા પહેલા આઇસીસીએ મુખ્ય હિસ્સેદારો કે ખેલાડીઓની કોઈ સલાહ લીધી નથી.

આ નવા નિયમો મુજબ, વર્લ્ડ કપમાં ભલે ૧૪ ટીમો ભાગ લેશે, પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆત એક નવી 'સુપર સિરીઝ' (Super Series) થી થશે. આ ત્રણ ટીમોની રાઉન્ડ-રોબિન સિરીઝમાં સૌથી નીચો ક્રમાંક (રેન્કિંગ) ધરાવતી ક્વોલિફાયર ટીમોએ રમવું પડશે અને ચોંકાવનારી વાત એ છે કે માત્ર ૨ મેચ રમ્યા પછી જ બે ટીમો ટૂર્નામેન્ટમાંથી સીધી બહાર ફેંકાઈ જશે! આ જ કારણે એસોસિએટ દેશોમાં ભારે નિરાશા અને આક્રોશ ફેલાયો છે.

'વર્લ્ડ કપ રમવો એ મજાક નથી, આઇસીસી ગ્લોબલ ક્રિકેટનો દ્રોહ બંધ કરે': સ્કોટ એડવર્ડ્સ

નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "કોઈપણ નાના દેશ માટે વનડે વર્લ્ડ કપ જેવા મોટા સ્ટેજ પર ક્વોલિફાય થવું એ વર્ષોની મહેનત અને આયોજનનું પરિણામ હોય છે. પરંતુ લાયકાત મેળવ્યા પછી પણ જો વાસ્તવિકતા આવી અન્યાયી હોય, તો તે અતિ નિરાશાજનક છે. આઇસીસી સ્ટેજ પરથી ક્રિકેટને વૈશ્વિક રમત બનાવવાની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ તેમના નિર્ણયો એસોસિએટ દેશોને દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમો સામે રમતા અટકાવે છે. જો આપણે ક્રિકેટને દુનિયાભરમાં ફેલાવવી હોય, તો તકો વધારવી જોઈએ, આવી રીતે ઘટાડવી ન જોઈએ."

બીજી તરફ, નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે પણ આઇસીસીના વલણ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, "અમારા જેવા દેશોના ખેલાડીઓ માટે વર્લ્ડ કપ માત્ર એક ટૂર્નામેન્ટ નથી, અમારું આખું કરિયર અને ક્રિકેટરોના સપના આની આસપાસ વણાયેલા હોય છે. જો ટીમોને આટલી મોટી ટૂર્નામેન્ટમાં માત્ર બે જ મેચ રમવા મળવાની હોય, તો રાત-દિવસ એક કરીને ક્વોલિફાય થવાનો અર્થ જ શું રહે છે?"

FIFA નું ઉદાહરણ આપી આઇસીસીને દર્શાવ્યો અરીસો

આયર્લેન્ડના વનડે કેપ્ટન પોલ સ્ટર્લિંગે આઇસીસીને ફૂટબોલમાંથી પાઠ શીખવાની સલાહ આપી છે. તેમણે વિશ્વના સૌથી મોટા રમત મહોત્સવ એટલે કે ૪૮ ટીમો વાળા 'ફિફા વર્લ્ડ કપ' (FIFA World Cup) નો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમ ફૂટબોલ નાની ટીમોને મહત્તમ તકો આપીને રમતને વૈશ્વિક સ્તરે વિસ્તારી રહ્યું છે, તેમ ક્રિકેટે પણ સંકુચિત માનસિકતા છોડીને સમાન અભિગમ અપનાવવો જોઈએ. સ્કોટલેન્ડના કેપ્ટન રિચી બેરિંગ્ટને પણ માંગ કરી છે કે ખેલાડીઓની કરિયરને પ્રભાવિત કરતા આવા મોટા નિર્ણયોમાં ખેલાડીઓનો અભિપ્રાય લેવો ફરજિયાત બનાવવો જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત (BCCI), પાકિસ્તાન અને શ્રીલંકા જેવા એશિયાના મુખ્ય ક્રિકેટ બોર્ડ આ ખેલાડીઓના સંગઠન એટલે કે WCA ને સત્તાવાર માન્યતા આપતા નથી, જેના કારણે આ વિવાદ વધુ જટિલ બન્યો છે.

પોતાના બચાવમાં આઇસીસીએ શું દલીલ કરી?

ચારેય તરફથી ઘેરાયેલી આઇસીસીએ આ વિવાદિત અને સુધારેલા ફોર્મેટનો બચાવ કરતા દાવો કર્યો છે કે, આ નવું "વિકસિત" માળખું ટૂર્નામેન્ટને "વધુ રોમાંચક અને આકર્ષક" બનાવશે. આનાથી ક્રિકેટ ફેન્સનો અનુભવ વધુ સારો થશે અને ઉભરતી ટીમોને પણ સૌથી મોટા સ્ટેજ પર સ્પર્ધા કરવાની રોમાંચક તક મળશે.

જો કે, વાસ્તવિકતા એ છે કે આ નવા ફેરફારોથી લાંબા સમયથી ચાલી રહેલી 'ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-૨' ના અસ્તિત્વ સામે પણ સવાલો ઉભા થયા છે, જ્યાં ૮ એસોસિએટ દેશો વર્લ્ડ કપમાં જગ્યા બનાવવા માટે ૩૬-૩૬ મેચો રમીને લોહી-પાણી એક કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ખેલાડીઓના આ આક્રોશ સામે આઇસીસી નમતું જોખશે કે પછી પોતાના નિર્ણય પર અડગ રહેશે.

(7:32 PM IST)