<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

હેલી મેથ્યુઝનું હરારેમાં તોફાન: ૧૮૨ રનની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક ઇનિંગ્સથી વેસ્ટ ઈન્ડિઝની ઝિમ્બાબ્વે પર ૯૯ રને ભવ્ય જીત!

વિન્ડીઝ કેપ્ટને મહિલા વન-ડે ઇતિહાસનો છઠ્ઠો સર્વોચ્ચ સ્કોર બનાવી રચ્યો ઇતિહાસ; એક જ કેલેન્ડર વર્ષમાં બે વાર ૧૫૦+ રન બનાવનાર વિશ્વની પ્રથમ મહિલા બેટર બની

હરારે, તા.૨૫: ઝિમ્બાબ્વેના હરારે ખાતે રમાયેલી વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હેલી મેથ્યુઝે પોતના બેટથી અકલ્પનીય સનસનાટી મચાવી દીધી છે. મેથ્યુઝે વિરોધી બોલરોની ધજ્જિયા ઉડાવતા માત્ર ૧૫૬ બોલમાં ૨૬ ચોગ્ગા અને ૨ શાનદાર છગ્ગાની મદદથી ૧૮૨ રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી. આ વિસ્ફોટક બેટિંગના દમ પર વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને ૯૯ રનના ભારે તફાવતથી હરાવીને ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં ૧-૦ ની મજબૂત સરસાઈ મેળવી લીધી છે.

 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ વેસ્ટ ઈન્ડિઝને હેલી મેથ્યુઝ અને રિયલેના ગ્રિમન્ડ (૫૩)ની ઓપનિંગ જોડીએ ૧૨૮ રનની મજબૂત ભાગીદારી કરીને શ્રેષ્ઠ શરૂઆત અપાવી હતી. ઓપનર ગ્રિમન્ડ આઉટ થયા બાદ પણ કેપ્ટન મેથ્યુઝે એક છેડેથી રનની વર્ષા ચાલુ રાખી હતી. મેથ્યુઝે ૧૦૮ બોલમાં પોતાની સદી પૂરી કર્યા બાદ ડેથ ઓવર્સમાં અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. તે મહિલા વન-ડે ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર કરનાર બેટર બની ગઈ છે, જ્યારે એક કેલેન્ડર વર્ષમાં બે વખત ૧૫૦ થી વધુ રન બનાવનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બનીને ઇતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરોથી અંકિત કર્યું છે. મેથ્યુઝની આ વિસ્ફોટક ઇનિંગ્સની મદદથી વેસ્ટ ઈન્ડિઝે ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૯૯ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.

 

ઝિમ્બાબ્વેની બેટિંગ ધરાશાયી: મોડેસ્ટર મુપાચિક્વાની લડાયક ૮૬ રનની ઇનિંગ્સ એળે ગઈ

 

૩૦૦ રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. ઓપનર મોડેસ્ટર મુપાચિક્વાએ એક છેડો સંભાળી રાખીને ૮૬ રનની સંયમિત અને લડાયક ઇનિંગ્સ રમી હતી, પરંતુ સામે છેડેથી અન્ય કોઈ બેટર તેનો લાંબો સમય સાથ આપી શકી નહોતી. ૨૨મી ઓવરમાં ૧૦૦ રને ૨ વિકેટ ગુમાવી ચૂકેલી ઝિમ્બાબ્વેની ટીમ મધ્યમ ક્રમમાં સતત વિકેટો ગુમાવતા ૨૦૦ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

વેસ્ટ ઈન્ડિઝ તરફથી આલિયા એલેને ૪૪ રન આપીને ૩ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી, જ્યારે જેનિલીયા ગ્લાસગો, અશ્મિની મુનિસર અને એફી ફ્લેચરે ૨-૨ વિકેટો ખેડીને ઝિમ્બાબ્વેની ઇનિંગ્સનો અંત આણ્યો હતો.

 

સંક્ષિપ્ત સ્કોરબોર્ડ:


 

  • વેસ્ટ ઈન્ડિઝ: ૫૦ ઓવરમાં ૨૯૯/૬ (હેલી મેથ્યુઝ ૧૮૨, રિયલેના ગ્રિમન્ડ ૫૩; ફ્રાન્સિસ્કા ચિપારે ૨/૫૭)

 

  • ઝિમ્બાબ્વે: ૪૩.૩ ઓવરમાં ૨૦૦/૧૦ (મોડેસ્ટર મુપાચિક્વા ૮૬; આલિયા એલેન ૩/૪૪, જેનિલીયા ગ્લાસગો ૨/૩૭)

 

  • પરિણામ: વેસ્ટ ઈન્ડિઝ ૯૯ રને વિજેતા

(5:32 PM IST)