<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

વિવાદોની 'ગૂગલી': ગેરકાયદે લીગના પ્રમોશન મામલે સિરાજ, તિલક વર્મા અને સાઉથના સુપરસ્ટાર્સને કાનૂની નોટિસ!

BCCIની મંજૂરી વિના રમાનારી TG20 લીગ વિવાદોના વમળમાં; તેલંગાણા ક્રિકેટ એસોસિએશને એક્ટર વિજય દેવરકોંડા અને વેંકટેશ સહિતના દિગ્ગજો સામે લીધા કડક પગલાં

નવી દિલ્હી, તા. 18 જૂન 2026: ભારતીય ક્રિકેટ જગત અને ગ્લેમર દુનિયામાંથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને યુવા બેટ્સમેન તિલક વર્મા સહિત અનેક મોટી હસ્તીઓ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. તેલંગાણા ક્રિકેટ એસોસિએશન (TCA) એ આ બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો, ભૂતપૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ અને સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય દેવરકોંડા તેમજ વેંકટેશ દગ્ગુબાતીને એક સત્તાવાર કાનૂની નોટિસ ફટકારી છે. આ તમામ હસ્તીઓ પર આરોપ છે કે તેઓ એક એવી ક્રિકેટ લીગનો પ્રચાર કરી રહ્યા છે, જેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની કોઈ મંજૂરી મળી નથી.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદ પ્રસ્તાવિત 'TG20 લીગ' ને લઈને શરૂ થયો છે. TCA ના જનરલ સેક્રેટરી ગુરવ રેડ્ડીએ મીડિયા સમક્ષ સનસનાટીભર્યો ખુલાસો કરતા જણાવ્યું કે, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) દ્વારા આયોજિત થઈ રહેલી આ લીગ સંપૂર્ણપણે "ગેરકાયદેસર" અને "અમાન્ય" છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન કાનૂની નિયમોનું ઉલ્લંઘન કરીને કોર્પોરેટ કંપનીઓ સાથે મળીને આ ટૂર્નામેન્ટ લાવી રહ્યું છે. આવી સ્થિતિમાં, દેશના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને જાણીતી સેલિબ્રિટીઓ આ 'કલંકિત' લીગને સપોર્ટ કરે તે એક ગંભીર બાબત છે.
નામ બદલવાની રમત અને ગેરમાર્ગે દોરવાનો આરોપ
TCA નો આરોપ છે કે આ લીગના આયોજકો સતત પોતાના કાનૂની દોષો છુપાવવા માટે નામ બદલી રહ્યા છે. પહેલા આ ટૂર્નામેન્ટનું નામ 'તેલંગાણા પ્રીમિયર લીગ' (TTL) હતું, ત્યારબાદ 'TG20 પ્રીમિયર લીગ' કરાયું અને હવે તેને માત્ર 'TG20' તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. ગુરવ રેડ્ડીએ સ્પષ્ટ કર્યું કે, આયોજકો પાસે રાજ્ય સ્તરે ફ્રેન્ચાઈઝી આધારિત લીગ યોજવા માટેના જરૂરી અધિકારો જ નથી. તેઓ માત્ર સેલિબ્રિટીઓના ચહેરાનો ઉપયોગ કરીને ક્રિકેટ પ્રેમીઓ અને રોકાણકારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
કોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી
તેલંગાણા ક્રિકેટ એસોસિએશને નોટિસમાં કડક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે જો આ ક્રિકેટરો અને અભિનેતાઓ તાત્કાલિક અસરથી આ વિવાદાસ્પદ લીગથી પોતાને અલગ નહીં કરે, તો તેમની સામે કડક ફોજદારી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એસોસિએશને આ મામલે કોર્ટમાં જવાની પણ પૂરી તૈયારી કરી લીધી છે.
BCCI ની મંજૂરી વગર આવી લીગનો હિસ્સો બનવું એ કોઈપણ ખેલાડીની કરિયર માટે જોખમી સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ નોટિસ મળ્યા બાદ મોહમ્મદ સિરાજ, તિલક વર્મા અને વિજય દેવરકોંડા જેવા દિગ્ગજો તરફથી શું પ્રતિક્રિયા આવે છે.

(4:18 PM IST)