તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Tuesday, 7th July 2026
અલવિદા રોનાલ્ડો! સ્પેન સામે પોર્ટુગલની હાર સાથે જ ફૂટબોલના મહાનાયક CR7 ના ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના સફરનો કરુણ અંત : હજારો પ્રશંસકોની સામે સુપરસ્ટારની આંખોમાંથી આંસુ છલકાયા
રાઉન્ડ ઓફ ૧૬ ના મહામુકાબલામાં ૯૧મી મિનિટે મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેને પોર્ટુગલને ૧-૦થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી : કરિયરના અંતિમ વર્લ્ડ કપમાં દેશને ચેમ્પિયન ન બનાવી શકતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાન પર જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો

ન્યુયોર્ક : વિશ્વ ફૂટબોલના મહાનતમ ખેલાડીઓમાંથી એક એવા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ થોડા સમય પહેલા જ જાહેરાત કરી હતી કે તેઓ પોતાના કરિયરનો અંતિમ ફિફા વર્લ્ડ કપ રમી રહ્યા છે. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના રાઉન્ડ ઓફ ૧૬ના હાઈ-વોલ્ટેજ મહામુકાબલામાં સ્પેન અને પોર્ટુગલની ટીમો આમને-સામને ટકરાઈ હતી. આ અત્યંત રોમાંચક મેચમાં સ્પેને જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાની ટિકિટ પાકી કરી લીધી છે. આ હારની સાથે જ પોર્ટુગલની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (CR7) ના વર્લ્ડ કપ સફરનો કાયમ માટે અંત આવ્યો છે. પોતાના કરિયરના છેલ્લા વર્લ્ડ કપમાં દેશને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું સપનું અધૂરું રહી જતાં મેચ સમાપ્ત થયા બાદ રોનાલ્ડો પોતાના આંસુ રોકી શક્યો નહોતો.
મિકેલ મેરિનોના ગોલથી સ્પેને પોર્ટુગલને આપ્યો મોટો ઝટકો:
પોર્ટુગલ અને સ્પેન વચ્ચે રમાયેલી આ મેચ શ્વાસ રોકી દે તેવી રોમાંચક રહી હતી. મેચના નિર્ધારિત સમય સુધી બંને ટીમો રક્ષણાત્મક રમી રહી હતી અને લાંબા સમય સુધી કોઈ ગોલ થઈ શક્યો નહોતો. જોકે, મેચની ૯૧મી મિનિટે સ્પેનના મિકેલ મેરિનોએ પોર્ટુગલના ગોલકીપર ડિઓગો કોસ્ટાને ચકમો આપીને શાનદાર કોર્નર ગોલ કર્યો હતો અને સ્પેનને ૧-૦ની નિર્ણાયક લીડ અપાવી દીધી હતી. આ એકમાત્ર ગોલના સહારે સ્પેને મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
૪૧ વર્ષીય રોનાલ્ડોએ રમ્યો કરિયરનો છેલ્લો વર્લ્ડ કપ મેચ:
ફૂટબોલ ઇતિહાસના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના કરિયરમાં કુલ છ વર્લ્ડ કપનો હિસ્સો રહી ચૂક્યા છે. ૪૧ વર્ષના આ મહાન ખેલાડીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ તેમનો છેલ્લો ફિફા વર્લ્ડ કપ છે. તેઓ પોતાની શાનદાર રમતથી ટીમ પોર્ટુગલને આગળ લઈ જવા ઈચ્છતા હતા, પરંતુ સ્પેન સામેની આ આઘાતજનક હાર સાથે જ પોર્ટુગલ અને રોનાલ્ડો બંનેની સફર અટકી ગઈ છે. હવે સીઆર૭ ફરી ક્યારેય વર્લ્ડ કપના મેદાન પર રમતા જોવા મળશે નહીં.
મેદાન પર જ ફૂટ-ફૂટ નજીક રડી પડ્યો ફૂટબોલનો શહેનશાહ:
પોર્ટુગલની હારની સત્તાવાર જાહેરાત થતાં જ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ભારે ભાવુક થઈ ગયો હતો. પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું સપનું પૂરું કરવા માટે તેણે મેદાન પર એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ અંતે અસફળતા હાથ લાગી હતી. આ હૃદયદ્રાવક હાર બાદ રોનાલ્ડો મેદાન પર જ ફૂટ-ફૂટને રડવા લાગ્યો હતો, જેને જોઈને સ્ટેડિયમમાં હાજર હજારો પ્રશંસકો અને ટીવી સામે બેઠેલા કરોડો ફેન્સ પણ ભાવુક થઈ ગયા હતા. મેચ બાદ રોનાલ્ડોએ કન્ફર્મ કર્યું હતું કે તેઓ હવે ક્યારેય ફિફા વર્લ્ડ કપ નહીં રમે, પરંતુ પોતાની ઇન્ટરનેશનલ કરિયર અંગે ભવિષ્યનો આખરી નિર્ણય લેવા માટે તેમને થોડો સમય જોઈશે.
નોંધનીય છે કે, આ સિવાય અન્ય મેચોમાં ઇંગ્લેન્ડે પણ મેક્સિકોને માત્ર બે મિનિટમાં બે ગોલ ફટકારીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે અને ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.
(8:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
