News of Saturday, 30th May 2026
ગિલની તોફાની સદી અને સુદર્શનની ફિફટીની મદદથી રાજસ્થાનને કચડી ગુજરાત ટાઈટન્સ આઈપીએલ-૨૦૨૬ની ફાઈનલમાં
ક્વોલિફાયર-૨ના હાઈવોલ્ટેજ મુકાબલામાં ૨૧૫ રનનો પહાડ જેવો લક્ષ્યાંક ગુજરાતે માત્ર ૧૮.૪ ઓવરમાં પાર પાડ્યો, હવે રવિવારે બેંગલુરુ સામે થશે મહાજંગ

અમદાવાદ, ૩૦: આઈપીએલ-૨૦૨૬ની બીજી ક્વોલિફાયર મેચમાં ગઈકાલે ગુજરાત ટાઈટન્સે (GT) શાનદાર પ્રદર્શન કરતા રાજસ્થાન રોયલ્સને (RR)ને ૩ વિકેટે પરાજય આપીને ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલા આ રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે આપેલા ૨૧૫ રનના વિશાળ લક્ષ્યાંકને ગુજરાતે કેપ્ટન શુભમન ગિલની વિસ્ફોટક સદી અને સાઈ સુદર્શનની અર્ધસદીની મદદથી માત્ર ૧૮.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને સરળતાથી પાર પાડી લીધો હતો. આ જીત સાથે જ ગુજરાતે ટાઈટલ જીતવાની આશા જીવંત રાખી છે, જ્યારે એલિમિનેટરમાં હૈદરાબાદને હરાવીને આવેલી રાજસ્થાનની સફરનો અહીં અંત આવ્યો છે.
મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ (૨) અને ધ્રુવ જુરેલ (૭) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જોકે, રાજસ્થાન તરફથી ૧૫ વર્ષના યુવા સન્સેશન વૈભવ સૂર્યવંશીએ માત્ર ૪૭ બોલમાં ૭ સિક્સ અને ૮ ફોરની મદદથી ૯૬ રનની આક્રમક ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી. આ ઇનિંગ દરમિયાન વૈભવે આઈપીએલ કરિયરમાં પોતાના ૧૦૦૦ રન પણ પૂરા કર્યા હતા. અંતિમ ઓવરોમાં ડોનોવન ફેરેઇરાએ માત્ર ૧૧ બોલમાં અણનમ ૩૮ રન ઝૂડી કાઢતા રાજસ્થાને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૪ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ગુજરાત તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે ૨-૨ વિકેટ ઝડપી હતી.
૨૧૫ રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ઓપનિંગ જોડીએ મેદાન પર આવીને તોફાન મચાવ્યું હતું. કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને માત્ર ૧૦ ઓવરમાં જ ટીમનો સ્કોર ૧૨૭ રન પર પહોંચાડી દીધો હતો. સાઈ સુદર્શને ૩૨ બોલમાં ૫૮ રન ફટકારીને આઉટ થયો હતો. બીજી તરફ કપ્તાની ઇનિંગ રમી રહેલા શુભમન ગિલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરતા માત્ર ૩૦ બોલમાં ફિફ્ટી અને ૪૮ બોલમાં સદી પૂરી કરી હતી. ગિલ આઉટ થતા પહેલા ૫૩ બોલમાં ૧૫ ફોર અને ૩ સિક્સની મદદથી ૧૦૪ રનની મેચ વિનિંગ ઇનિંગ રમી ગયો હતો. અંતમાં વોશિંગ્ટન સુંદરે ૧૬ રનનું યોગદાન આપી ટીમને વિજય અપાવ્યો હતો.
અધિકળત સોર્સ અને ક્રિકેટ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, પાવરપ્લેમાં ગુજરાતની આક્રમક બેટિંગ અને મધ્યમ ઓવરોમાં રાજસ્થાનની નબળી બોલિંગ મેચનું ર્ટનિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. રાજસ્થાનના મુખ્ય બોલર જોફ્રા આર્ચર અને નાન્દ્રે બર્ગર રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા, જેનો પૂરો ફાયદો ગિલ અને સુદર્શનની જોડીએ ઉઠાવ્યો હતો. રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે મેચ બાદ સ્વીકાર્યું હતું કે, ૅઅમે બોર્ડ પર સારો સ્કોર મૂકયો હતો, પરંતુ ગુજરાતના બેટરોએ અસાધારણ બેટિંગ કરી અને અમારા બોલર્સ લાઈન-લેન્થ જાળવી શકયા નહીં.ૅ
હવે આઈપીએલ-૨૦૨૬ની ટ્રોફી કોના નામે થશે તેનો અંતિમ ફેંસલો આગામી ૩૧ મે, રવિવારના રોજ રમાનાર મહામુકાબલામાં થશે. ચેમ્પિયન બનવા માટે રવિવારે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે ફાઈનલ જંગ જામશે. ગુજરાતની ટીમ અત્યારે પ્રચંડ ફોર્મમાં છે, તો બીજી તરફ બેંગલુરુ પણ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે, જેથી રવિવારની ફાઈનલ મેચ હાઈ-સ્કોરિંગ અને અત્યંત રોમાંચક બની રહેશે તેવી ક્રિકેટ ચાહકો અપેક્ષા રાખી રહ્યા છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
