News of Monday, 18th May 2026
મોંઘી ફ્લાઈટ્સ અને નબળા રૂપિયા પર ભારે પડ્યો ફૂટબોલનો ક્રેઝ: 'મેસ્સી-રોનાલ્ડો'ને લાઈવ જોવા ભારતીય ચાહકોમાં ફિફાનો જુવાળ, ટ્રીપ માટે ₹૧૫ લાખ સુધી ખર્ચવા મચાવી હોડ
કેનેડા, મેક્સિકો અને અમેરિકાની ધરતી પર જામશે ફૂટબોલનો મહાકુંભ; માત્ર મેટ્રો જ નહીં પણ અમદાવાદ અને ઇન્દોર જેવા નાના શહેરોના યુવાનો પણ ક્રેઝી, ૪ મહિના અગાઉથી એડવાન્સ બુકિંગ શરૂ!

મુંબઈ, તા.૧૮: જ્યારે વાત દુનિયાની સૌથી મોટી રમત એટલે કે ફૂટબોલની હોય, ત્યારે ભારતીય ચાહકોનો જોશ કંઈક અલગ જ સ્તરે પહોંચી જાય છે. ભૌગોલિક રાજકીય તણાવ, આકાશને આંબતા વિમાન ભાડા, અમેરિકી ડોલર સામે સતત નબળો પડી રહેલો રૂપિયો અને બિન-આવશ્યક વિદેશ પ્રવાસ ટાળવાની આર્થિક સલાહો... આ બધી જ અડચણો ફૂટબોલના દીવાનાઓ સામે વામણી સાબિત થઈ રહી છે. લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા ફૂટબોલ જગતના બેતાજ બાદશાહોને કદાચ તેમના જીવનના 'છેલ્લા' વર્લ્ડ કપના સ્ટેજ પર લાઈવ રમતા જોવાની આ છેલ્લી તક છે, અને ભારતીય ચાહકો આ ઐતિહાસિક પળને ચૂકવા માંગતા નથી.
આ વર્ષે ૧૧ જૂનથી ૧૯ જુલાઈ દરમિયાન કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) ના ૧૬ સનસનાટીભર્યા શહેરોમાં સંયુક્ત રીતે 'ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬' (FIFA World Cup 2026) યોજાવા જઈ રહ્યો છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા અનુસાર, આ મેગા ઇવેન્ટ માટે કસ્ટમાઇઝ્ડ પ્રવાસ પેકેજો માટે ભારતીયો આંખ બંધ કરીને ₹૪ લાખથી લઈને ₹૧૫ લાખ સુધીનો ધૂમ ખર્ચ કરી રહ્યા છે.
માત્ર અમીરો જ નહીં, નાના શહેરોના યુવાનો પણ રેસમાં
ઓનલાઈન ટ્રાવેલ કંપની 'પિકયોરટ્રેઇલ'ના ચીફ એક્ઝિક્યુટિવ હરિ ગણપતિના જણાવ્યા મુજબ, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ચેન્નાઈ જેવા મેટ્રો શહેરોના ૨૮ થી ૪૫ વર્ષની વયના યુવાનોમાં આ ક્રેઝ સૌથી વધુ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, હવે ગુજરાતનું અમદાવાદ અને મધ્ય પ્રદેશનું ઇન્દોર જેવા ટાયર-૨ શહેરોમાંથી પણ બુકિંગની ભારે ડિમાન્ડ આવી રહી છે.
તો બીજી તરફ, 'EaseMyTrip' ના સહ-સ્થાપક રિકાંત પિટ્ટીએ જણાવ્યું હતું કે, ભારતીય ફૂટબોલ પ્રવાસીઓ હવે માત્ર હાઈ-ક્લાસ સોસાયટી પૂરતા સીમિત નથી રહ્યા. આજની યુવા પેઢી ફિફા વર્લ્ડ કપ પ્રવાસને એક સામાન્ય વેકેશન તરીકે નહીં, પરંતુ પોતાના જીવનના સૌથી મોટા 'લાઈફસ્ટાઈલ ઇન્વેસ્ટમેન્ટ' (જીવનશૈલી રોકાણ) તરીકે જોઈ રહી છે, જેના કારણે ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાંથી પૂછપરછમાં બે-અંકની વૃદ્ધિ જોવા મળી છે.
૫૫% નો તોતિંગ ઉછાળો: ૪-૫ મહિના વહેલું બુકિંગ
રિપોર્ટ અનુસાર, વિઝાની જટિલ પ્રક્રિયા, મોંઘી એર ટિકિટ અને ત્યાં રહેવા માટેની હોટલોની અછતને ધ્યાનમાં રાખીને ચાહકો આ વખતે કોઈ જોખમ લેવા માંગતા નથી. પહેલાના સમયમાં લોકો મેચના ૩ મહિના અગાઉ બુકિંગ કરાવતા હતા, જ્યારે આ વખતે ૪ થી ૫ મહિના અગાઉથી જ બુકિંગ ફૂલ થઈ રહ્યા છે. પિકયોરટ્રેઇલ અનુસાર, ગયા વર્ષની સરખામણીએ ફિફા સંબંધિત ઇન્ક્વાયરીમાં ૫૫ થી ૬૦% નો તોતિંગ ઉછાળો આવ્યો છે.
સામાન્ય અને મધ્યમ પેકેજનો સરેરાશ ખર્ચ ₹૪ લાખથી ₹૮ લાખની વચ્ચે છે, જ્યારે હોસ્પિટાલિટી અને પ્રીમિયમ લક્ઝરી ટૂરનો ખર્ચ ₹૧૦ થી ₹૧૫ લાખ સુધી પહોંચી રહ્યો છે. આ મોંઘવારીને પહોંચી વળવા માટે યુવા ચાહકો નો-કોસ્ટ EMI (વ્યાજ વગરના માસિક હપ્તા) અને અર્લી-બર્ડ ડિસ્કાઉન્ટ જેવા વિકલ્પોનો સ્માર્ટલી ઉપયોગ કરી રહ્યા છે.
મેચની સાથે અમેરિકા ટૂરનું આયોજન, સ્માર્ટ ફોરેક્સ કાર્ડનો ઉપયોગ
ભારતીય ચાહકો માત્ર મેચ જોઈને પાછા આવવા નથી માંગતા, તેઓ પોતાના પ્રવાસને યાદગાર બનાવી રહ્યા છે. લોકો ન્યૂ યોર્ક, લાસ વેગાસ, મિયામી, કેનકન (મેક્સિકો) અને હવાઈ જેવા જગવિખ્યાત પર્યટન સ્થળોને પોતાની ટ્રીપમાં જોડી રહ્યા છે. ફ્લાઈટના ભાડા બચાવવા માટે લંડન, દોહા અથવા દુબઈ થઈને જવાના રૂટ પસંદ કરવામાં આવી રહ્યા છે.
નબળા રૂપિયા સામે રક્ષણ મેળવવા માટે પણ ચાહકોએ નવો રસ્તો શોધ્યો છે. પૃથ્વી એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર પવન કાવડેએ જણાવ્યું કે, જો રૂપિયો યુએસ ડોલર સામે ₹૯૨ થી ઘટીને ₹૯૬ થાય, તો $૫,૦૦૦ ની ટ્રિપ સીધી ₹૨૦,૦૦૦ મોંઘી થઈ જાય છે. આ નુકસાનથી બચવા માટે સ્માર્ટ ભારતીયો મલ્ટિ-કરન્સી પ્રીપેડ ફોરેક્સ કાર્ડ્સ અને રેટ-લોક મિકેનિઝમ્સ (ભાવ ફિક્સ કરવાની પદ્ધતિ) નો સહારો લઈ રહ્યા છે. ફેડરેશન ઓફ એસોસિએશન ઇન ઇન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટીના અનિલ કલસીના મતે, ભારતીય ચાહકો અત્યારે કિંમત અને રોમાંચ બંને વચ્ચે અદભુત સંતુલન જાળવીને હિસાબી પણ સાબિત થઈ રહ્યા છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
