<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

એશિયન ગેમ્સમાં ઐતિહાસિક મેડલ છતાં ભારતની સુચિકા તરિયાલ મૅટ પર જ ડૂસકે-ડૂસકે રડી પડી: ૭૦૦ ગ્રામ વધુ વજનના અજીબોગરીબ નિયમે સુચિકાનું ગોલ્ડનું સપનું રોળ્યું

સિંગાપોરની હરીફ સામે રસાકસી બાદ રેફરીના આઘાતજનક નિર્ણયથી ભારતીય કેમ્પમાં વિરોધનો વંટાળ: સુચિકાએ સિંગાપોરની સ્પર્ધક સાથે હાથ મિલાવવાનો પણ ઇનકાર કર્યો

નાગોયા (જાપાન) : જાપાનના નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) સ્પર્ધામાં ભારતે ઐતિહાસિક સફળતા મેળવી છે. ૩૬ વર્ષીય ભારતીય ફાઇટર સુચિકા તરિયાલે વિમેન્સ ટ્રેડિશનલ ૬૦ કિલો વર્ગમાં ભારત માટે પ્રથમ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. જોકે, આ ઐતિહાસિક સિદ્ધિ છતાં સુચિકા ખુશ થવાના બદલે અત્યંત હતાશ થઈને મૅટ પર જ ઘૂંટણિયે બેસી ડૂસકે-ડૂસકે રડી પડી હતી. મેચના પરિણામ નક્કી કરવાની અન્યાયી અને વિચિત્ર પદ્ધતિથી નારાજ થઈને સુચિકાએ સેમિફાઇનલ બાદ સિંગાપોરની હરીફ સ્પર્ધક હુઈ હૂન ટેઓ સાથે હાથ મિલાવવાની પણ ચોખ્ખી ના પાડી દીધી હતી.

 

સેમિફાઇનલ મુકાબલામાં સુચિકા અને સિંગાપોરની હુઈ હૂન વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી હતી. નિર્ધારિત સમય અને ઓવરટાઇમ બાદ પણ બંને વચ્ચે પરિણામ ન આવતાં મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. જોકે, જજની પેનલે અચાનક એવો અજીબોગરીબ નિર્ણય સંભળાવ્યો કે બંને સ્પર્ધકોમાંથી જેનું વજન ઓછું હશે તેને વિજેતા જાહેર કરાશે. સ્પર્ધાના દિવસે થયેલા વેઇ-ઇન (Weight-in) મુજબ સુચિકાનું વજન સિંગાપોરની હરીફ કરતાં માત્ર ૭૦૦ ગ્રામ વધુ હોવાનું બતાવીને હુઈ હૂનને ફાઇનલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સુચિકાને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

 

કોચના સમજાવવા છતાં સુચિકાનો આક્રોશ શમ્યો નહીં

 

આ નિર્ણયની જાહેરાત થતાં જ ભારતીય કેમ્પમાં ભારે વિરોધ અને નારાજગીનું મોજું ફરી વળ્યું હતું. વિજેતાની સત્તાવાર જાહેરાત માટે જ્યારે રેફરીએ બંને ખેલાડીઓને મંચ પર બોલાવ્યા ત્યારે સુચિકાએ પહેલાં જવાની ના પાડી દીધી હતી, પરંતુ કોચના સમજાવ્યા બાદ તે પહોંચી હતી. રેફરીએ હુઈ હૂનનો હાથ ઊંચો કરતાં જ સુચિકા મૅટ પર જ ભાંગી પડી હતી. હુઈ હૂને હાથ મિલાવવા પ્રયાસ કર્યો પરંતુ આઘાતમાં સરેલી સુચિકાએ ઇનકાર કરી દીધો હતો. આખરે કોચે આવીને તેને શાંત પાડીને રિંગ બહાર પહોંચાડી હતી. નોંધનીય છે કે, સુચિકાના આ બ્રોન્ઝ સાથે એશિયન ગેમ્સમાં ભારતની કુલ મેડલ સંખ્યા છ પર પહોંચી છે, જેમાં શૂટિંગમાં મળેલા ચાર સિલ્વર અને એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

(6:01 PM IST)