<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

વૈભવ સૂર્યવંશીથી પણ નાની ચીની સ્વિમરે રચ્યો ઇતિહાસ: માત્ર ૧૩ વર્ષની ઉંમરે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતીને દુનિયાભરના ખેલપ્રેમીઓને ચોંકાવ્યા

વિશ્વવિક્રમ સર્જતા સર્જતા માંડ ચૂકી, ભવિષ્યની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ માટે અત્યારથી જ ડંકો વગાડતી નાની બાળકીની અદભુત સફળતા

નાગોયા : આખી દુનિયામાં અત્યારે ૧૫ વર્ષીય ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના કમાલની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે બીજી તરફ ચીનની એક ૧૩ વર્ષની નાનકડી ‘જલપરી’ એશિયન ગેમ્સમાં એવો ઇતિહાસ રચ્યો છે જેને જાણીને સારા-સારા દિગ્ગજો દંગ રહી ગયા છે. ચીનની યુ ઝિદી (Yu Zidi) નામની આ યુવા સ્વિમરે સ્વિમિંગની હરીફાઈમાં અદ્ભુત પરાક્રમ દાખવતા માત્ર ૨૪ કલાકની અંદર બે શાનદાર ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધા છે. તેની આ સિદ્ધિથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે.

 

જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સની સ્વિમિંગ સ્પર્ધામાં યુ ઝિદીએ મહિલાઓની ૨૦૦ મીટર બટરફ્લાય હરીફાઈ માત્ર ૨ મિનિટ ૦૫.૦૮ સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ સાથે તેણે ચીનની જ દિગ્ગજ ખેલાડી ઝાન્ગ યુફીનો ૨૦૨૨ની એશિયન ગેમ્સનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાખ્યો હતો. આટલું જ નહીં, આ સિદ્ધી મેળવ્યાના માત્ર ૨૪ કલાકની અંદર સોમવારે તેણે મહિલાઓની ૨૦૦ મીટર ઇન્ડિવિજ્યૂઅલ મેડલી ૨ મિનિટ ૦૬.૧૦ સેકન્ડમાં પૂરી કરીને વધુ એક ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તે આ રેસમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાથી માત્ર ૦.૪૦ સેકન્ડ જ દૂર રહી ગઈ હતી, નહીં તો તેણે વૈશ્વિક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હોત.

 

આવતા મહિને પૂરા થશે ૧૪ વર્ષ, આગામી ઑલિમ્પિક્સ પર છે નજર

 

યુ ઝિદી હજી આવતા મહિને જ પોતાના ૧૪ વર્ષ પૂરા કરવાની છે, અને આટલી નાની વયે આ પ્રકારનું પ્રદર્શન કરવું એ અકલ્પનીય મનાય છે. આ તેની ટૂંકી કારકિર્દીનું સર્વપ્રથમ મોટું ટાઇટલ છે. નાની વયે જ તેની આ સિદ્ધિ જોઈને સ્પોર્ટ્સ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે તે આગામી સમયમાં લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં પણ દેશ માટે મોટું મેડલ જીતીને ઇતિહાસ રચવા માટે પૂરી રીતે તૈયાર છે. આ ચીની 'જલપરી'ની સફરે સાબિત કરી દીધું છે કે જો હોંસલા બુલંદ હોય તો ઉંમર માત્ર એક આંકડો બનીને રહી જાય છે.

(7:32 PM IST)