<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સ્‍પેન ચેમ્‍પિયન બનતા જ અરાજકતા, આર્જેન્‍ટિનાના પરેડેસે ગાર્સિયાને મુક્કો માર્યો!

ફૂટબોલ ફાઇનલમાં ખેલદિલી નેવે મુકાઇ : ચેમ્‍પિયન બનવાની ખુશી વચ્‍ચે મેદાન બન્‍યું અખાડોઃ પરેડેસ અને ગાવી વચ્‍ચે પણ ઉગ્ર ઝપાઝપી, સિકયોરિટીએ માંડ પરિસ્‍થિતિ સંભાળી

નવી દિલ્‍હીઃ ફૂટબોલની હાઈ-વોલ્‍ટેજ ફાઈનલ મેચમાં સ્‍પેને શાનદાર પ્રદર્શન કરીને ચેમ્‍પિયનશિપ પોતાના નામે કરી લીધી છે. જોકે, સ્‍પેનની આ જીતની ખુશી વચ્‍ચે મેદાન પર એવા દ્રશ્‍યો સર્જાયા હતા જેણે રમતજગતને શરમજનક સ્‍થિતિમાં મૂકી દીધું છે. સ્‍પેન જેવી જ વિજેતા ઘોષિત થઈ, કે તરત જ મેદાન પર ખેલાડીઓ વચ્‍ચે ભારે હોબાળો અને વિવાદ શરુ થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, હાર પચાવી ન શકવાના કારણે આર્જેન્‍ટિનાના સ્‍ટાર ખેલાડી પરેડેસે કંટ્રોલ ગુમાવ્‍યો હતો. તેણે સ્‍પેનના એરિક ગાર્સિયા સાથે ઉગ્ર બોલાચાલી બાદ તેને મોં પર મુક્કો મારી દીધો હતો. આ ઘટના બાદ વાતાવરણ વધુ ગરમ થઈ ગયું હતું. સ્‍પેનના ગાવી પણ આ વિવાદમાં કૂદી પડતાં પરેડેસ અને ગાવી વચ્‍ચે જોરદાર ઝપાઝપી થઈ હતી.

બંને ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્‍ટાફ દોડી આવતાં મેદાન ક્ષણભરમાં રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. સિકયોરિટી અને રેફરીએ ભારે જહમત બાદ બંને ટીમોના ગરમ મગજના ખેલાડીઓને અલગ કર્યા હતા. ચેમ્‍પિયન બનવાની ખુશી ઉજવવાની ક્ષણોમાં જ બનેલી આ હિંસક ઘટનાની સોશિયલ મીડિયા પર અને ફૂટબોલ પ્રેમીઓમાં ભારે ટીકા થઈ રહી છે. ખેલદિલીના નિયમોનું ઉલ્લંઘન કરનારા ખેલાડીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી શકયતાઓ જોવાઈ રહી છે

 

(11:06 AM IST)