News of Friday, 4th September 2026
ટીમ ઈન્ડિયાના ભવિષ્ય પર મોટો ખુલાસો: BCCI ની હાઈ-પ્રોફાઇલ સમીક્ષા બેઠકમાંથી રોહિત શર્મા અને ગૌતમ ગંભીર અંગે આવ્યા ચોંકાવનારા નિર્ણયો
મુંબઈ સ્થિત મુખ્યાલયમાં મળેલી આ અત્યંત મહત્વપૂર્ણ બેઠકમાં ખેલાડીઓની ફિટનેસ, નબળા પ્રદર્શનની સમીક્ષા અને આગામી ટૂર્નામેન્ટ્સની રણનીતિઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

મુંબઈ : ગુરુવાર, ૩ સપ્ટેમ્બરના રોજ મુંબઈ સ્થિત BCCI મુખ્યાલયમાં યોજાયેલી એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-પ્રોફાઇલ સમીક્ષા બેઠકમાં ભારતીય ક્રિકેટ ટીમનું તાજેતરનું નબળું પ્રદર્શન, ખેલાડીઓની ફિટનેસ અને ભવિષ્યની યોજનાઓ કેન્દ્રસ્થાને રહી હતી. ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલ, T20 કેપ્ટન શ્રેયસ ઐયર, BCCI સચિવ દેવજીત સૈકિયા, સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ના વડા VVS લક્ષ્મણ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી આંતરરાષ્ટ્રીય મેચો માટે ભારતીય ટીમની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાનો હતો.
બેઠકના મુખ્ય વિષયોમાં સૌથી મોટો ખુલાસો રોહિત શર્માના ભવિષ્યને લઈને થયો છે, જ્યાં બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ૨૦૨૭ ના ODI વર્લ્ડ કપ પહેલા રોહિતની નિવૃત્તિ કે તેમના ભવિષ્ય અંગે હાલમાં કોઈ પૂર્વ-આયોજન નથી અને માત્ર નબળા પ્રદર્શનના ચોક્કસ સમયગાળા પછી જ તેમને ટીમમાંથી બહાર કરવા અંગે વિચારણા થશે. આ સાથે જ, ભૂતપૂર્વ ક્રિકેટર VVS લક્ષ્મણની ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિમણૂક થવાની તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો છે તેમજ ટીમના તાજેતરના નબળા દેખાવ છતાં ગૌતમ ગંભીર જ મુખ્ય કોચ તરીકે પોતાના પદ પર યથાવત રહેશે તેમ પણ નક્કી કરાયું છે.
વધુમાં, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના કરાર અને પદ અંગે બેઠકમાં કોઈ જ ચર્ચા થઈ ન હતી, જેના કારણે તેમને હટાવા afવાઓની ચર્ચાને પણ નકારી કાઢવામાં આવી છે. ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસો પર મળેલી હારના કારણોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં કેપ્ટન અને કોચ વચ્ચે ટીમની વર્તમાન ખામીઓ અને ભવિષ્યની સુધારાવાદી વ્યૂહરચનાઓ પર ખુલીને ચર્ચા થઈ હતી. બીસીસીઆઈએ સત્તાવાર રીતે સ્પષ્ટ કરી દીધું છે કે વર્તમાન તબક્કે ટીમ મેનેજમેન્ટમાં કોઈ મોટા ફેરફારો કરવામાં નહીં આવે.
આ સમગ્ર મંથન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ખેલાડીઓની વારંવાર થતી ઈજાઓ અને ફિટનેસ પાછી મેળવ્યા બાદ ટીમમાં પુનરાગમન કરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને મજબૂત બનાવવાનો છે, જેના માટે સેન્ટર ઓફ એક્સેલન્સ અને તબીબી પ્રણાલીની પણ કડક સમીક્ષા હાથ ધરવામાં આવશે. ભૂતકાળમાં વિદેશી ધરતી પર થયેલા પરાજયમાંથી બોધપાઠ લઈને આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ વધુ મજબૂત દેખાવ કરે તે માટે બોર્ડે હવે કમર કસી છે અને તમામ ખેલાડીઓએ ફિટનેસના માપદંડો પર ખરા ઉતરવું અનિવાર્ય બનશે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
