<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ઈજાના કારણે અફઘાનિસ્તાન સિરીઝમાંથી બહાર; BCCI ના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ના ફિટનેસ ક્લિયરન્સ પર ફરી પ્રશ્નાર્થ

હેમસ્ટ્રિંગ બાદ હવે સાઇડ સ્ટ્રેનથી પીડાતો ચક્રવર્તી માત્ર એક મેચ રમીને ટીમમાંથી બહાર; એશિયન ગેમ્સમાં રમવા સામે પણ શંકાના વાદળો ઘેરાયા

નવી દિલ્હી : અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી ત્રણ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. ભારતનો સ્ટાર મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી નવી ઈજાના કારણે બાકીની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ T20I મેચમાં ૪ ઓવરનો ક્વોટા પૂરો કર્યા બાદ સ્કેન રિપોર્ટમાં સાઇડ સ્ટ્રેન (Side Strain) ની ઈજા સામે આવી છે. આ ઈજાના કારણે માત્ર અફઘાનિસ્તાન સિરીઝ જ નહીં, પરંતુ આગામી એશિયન ગેમ્સમાં પણ તેના રમવા અંગે ગંભીર શંકાઓ ઊભી થઈ છે.

 

આ ઘટના બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ની કાર્યપદ્ધતિ અને ફિટનેસ પ્રોટોકોલ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વરુણ ચક્રવર્તી જુલાઈ મહિનામાં ઈંગ્લેન્ડ સામેની ટી૨૦ સિરીઝ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાનો ભોગ બન્યો હતો, જેના પછી તેણે CoE ખાતે લગભગ બે મહિના સુધી સખત રિહેબિલિટેશન (પુનર્વસન) પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. CoE માંથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી, પરંતુ માત્ર એક જ મેચ રમીને તે ફરી ઈજાગ્રસ્ત થઈ જતાં બોર્ડના વર્કલોડ મેનેજમેન્ટ પર સવાલો ઊઠ્યા છે.

 

CoE ના ફિટનેસ ક્લિયરન્સ પર ફરી સવાલો

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ખેલાડીઓ CoE માં લાંબો સમય વિતાવ્યા બાદ ટીમમાં પાછા ફરે છે અને ટૂંક સમયમાં જ ફરીથી ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ જાય છે. ચક્રવર્તીના કિસ્સામાં પણ એવું જ બન્યું છે, જેના કારણે ખેલાડીઓને અપાતા રિટર્ન-ટુ-પ્લે (Return-to-Play) ક્લિયરન્સની ચોકસાઈ સામે ક્રિકેટ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. મંગળવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાનારી બીજી T20 મેચમાં હવે ભારત રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર જેવા સ્પિનરો પર આધાર રાખશે.

(8:27 PM IST)