News of Wednesday, 15th April 2026
4 હાર બાદ BCCIની કડક કાર્યવાહી: KKR કેપ્ટન અજિંક્ય રહાણેને ફટકાર્યો 12 લાખનો દંડ, ધીમા ઓવર રેટ બદલ સજા
ચેન્નાઈ સામેની હાર બાદ KKRની મુશ્કેલી વધી, IPLની આચાર સંહિતા ભંગ બદલ રહાણે દંડાયો, સિઝનનો પહેલો ગુનો હોવાથી 12 લાખનો દંડ, ત્રીજી વાર થશે તો કેપ્ટનશિપ પર પ્રતિબંધ લાગી શકે

ચેન્નાઈ તા.૧૫: સત ચાર હાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. BCCIએ KKRના કેપ્ટન અજિંક્ય રહાણે સામે કડક કાર્યવાહી કરતા ધીમા ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચ નંબર 22 દરમિયાન KKRએ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરી, જેના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું છે કે, "કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેને ટીમ દ્વારા ધીમો ઓવર-રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. IPLની આચાર સંહિતાના અનુચ્છેદ 2.22 હેઠળ આ સિઝનનો તેની ટીમનો પહેલો ગુનો હોવાથી રહાણેને 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે."
ચેન્નાઈએ પહેલા બેટિંગ કરી 192/5નો સ્કોર ખડક્યો હતો. જવાબમાં KKR 20 ઓવરમાં 160/7 સુધી જ પહોંચી શકી અને 32 રને મેચ હારી ગઈ. આ હાર સાથે KKR IPL 2026માં 200થી ઓછા રનનો ટાર્ગેટ ચેઝ ન કરી શકનારી પહેલી ટીમ બની છે. નૂર અહમદે 3-21 અને અંશુલ કંબોજે 2-32 વિકેટ લઈ CSKને સિઝનની બીજી જીત અપાવી.
KKRની હાલત પહેલેથી જ કફોડી છે. ટીમના કેટલાક ફાસ્ટ બોલરો ઈજાગ્રસ્ત છે અથવા હજુ ટીમ સાથે જોડાયા નથી. IPLના ઈતિહાસમાં પહેલી વાર KKR સિઝનની શરૂઆતની પાંચેય મેચ હારી છે અને હજુ સુધી જીતનું ખાતું ખોલાવી શકી નથી. કેપ્ટન રહાણે માટે આ દંડ વધુ મુશ્કેલી લઈને આવ્યો છે.
IPLના નિયમ મુજબ જો કોઈ ટીમ સિઝનમાં ત્રણ વાર ધીમા ઓવર રેટનો ગુનો કરે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ લાગે છે. હાલ KKR એકપણ જીત વિના સંઘર્ષ કરી રહી છે અને આવી સ્થિતિમાં કેપ્ટનનો પ્રતિબંધ ટીમ પરવડી શકે તેમ નથી.
મેચમાં KKRએ ઓપનિંગ જોડી બદલી હતી. સુનિલ નારાયણ ફિન એલન સાથે ઓપનિંગમાં આવ્યો હતો, જ્યારે રહાણે નીચેના ક્રમે બેટિંગ કરવા ઉતર્યો હતો. નારાયણે શરૂઆતમાં બે છગ્ગા માર્યા પણ મોટી ઇનિંગ રમી શક્યો નહીં. પાવરપ્લેમાં 36/2નો સ્કોર KKRનો 2024 પછીનો સૌથી નીચો સ્કોર રહ્યો. રહાણે અને અંગક્રિશ રઘુવંશીએ ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો પણ ટીમને જીત અપાવી શક્યા નહીં.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
