<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

સસ્પેન્શનના આદેશ બાદ રોનાલ્ડોએ કહ્યું -'હું જ ફૂટબોલ ઇતિહાસનો સૌથી શ્રેષ્ઠ ખેલાડી'

વિશ્વવિખ્યાત ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને UEFA નેશન્સ લીગ વિન્ડો વચ્ચે અચાનક નેશનલ કેમ્પ છોડી ક્લબ અલ-નસ્ર સાથે જોડાવા બદલ પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને સસ્પેન્ડ કર્યો

પોર્ટુગલનો કેમ્પ છોડી અલ-નસ્ર સાથે જોડાતા ફૂટબોલ ફેડરેશને રોનાલ્ડોને સસ્પેન્ડ કર્યો છે. ત્યારબાદ સામે આવેલા સ્ટેમેન્ટમાં તેમણે કહ્યું કે લોકો તેમની પૂરતી કદર નથી કરતા, પરંતુ નંબર્સ સાબિત કરે છે કે તેઓ જ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. 146 આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર રોનાલ્ડોએ વર્તમાનમાં જીવવાની વાત કરી છે.

વિશ્વવિખ્યાત ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને UEFA નેશન્સ લીગ વિન્ડો વચ્ચે અચાનક નેશનલ કેમ્પ છોડી ક્લબ અલ-નસ્ર સાથે જોડાવા બદલ પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને સસ્પેન્ડ કર્યો છે. આ વિવાદ વચ્ચે આવેલા રોનાલ્ડોના નિવેદને રમતજગતમાં ખળભળાટ મચાવી દીધો છે, જેમાં તેમણે સ્પષ્ટપણે પોતાને ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો છે.

પોર્ટુગલ ફૂટબોલ ટીમના કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલ મોટા વિવાદના કેન્દ્રમાં છે. UEFA નેશન્સ લીગ માટે આંતરરાષ્ટ્રીય વિન્ડો ચાલુ હતી તે દરમિયાન રોનાલ્ડોએ અચાનક રાષ્ટ્રીય કેમ્પ છોડી દીધો હતો અને તેઓ પોતાની સાઉદી ક્લબ અલ-નસ્ર સાથે જોડાઈ ગયા હતા. રાષ્ટ્રીય ફરજ વચ્ચે લીધેલા આ આશ્ચર્યજનક નિર્ણયને પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને ગંભીર શિસ્તભંગ ગણાવ્યો હતો.

આ આચારસંહિતા ભંગ બદલ ફેડરેશને તાત્કાલિક અસરથી પગલાં લેતાં રોનાલ્ડોને અસ્થાયી રૂપે ટીમમાંથી સસ્પેન્ડ કરવાનો આકરો નિર્ણય લીધો હતો. આ ઘટના બાદ સમગ્ર વિશ્વના ફૂટબોલ ફેન્સ અને રમત વિશ્લેષકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

સસ્પેન્શનના આદેશ બાદ રોનાલ્ડોએ 'CNN પોર્ટુગલ'ને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં પોતાના વિરોધીઓ અને સમીક્ષકોને આકરો જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેમના શાનદાર પ્રદર્શનો અને ઐતિહાસિક પળોની લોકો પૂરતી પ્રશંસા નથી કરી રહ્યા.

રોનાલ્ડોએ કહ્યું, "મેં જે અદ્ભુત પળો આપી છે તેની કદર નથી થતી. લોકો જેટલી પ્રશંસા થવી જોઈએ તેટલી નથી કરી રહ્યા. મારા ગોલનો આંકડો ગમે તે હોય, પણ હું ફૂટબોલ ઇતિહાસનો સૌથી શ્રેષ્ઠ ખેલાડી છું. આ બાબત પર કોઈપણ પ્રકારની ચર્ચા ન થવી જોઈએ. મેદાન પર ફક્ત ગોલ કરવાના હોય છે અને આંકડાઓ જ બધું કહી દે છે." તેમણે ઉમેર્યું કે તેઓ હવે 1000 કરિયર ગોલના આંકડાથી માત્ર 85 ગોલ દૂર છે, છતાં તેઓ આંકડા પાછળ આંધળી દોટ નથી મૂકતા.

પોતાના ભવિષ્ય અને સંભવિત નિવૃત્તિ અંગે પૂછવામાં આવેલા સવાલ પર રોનાલ્ડોએ અત્યંત ભાવુક અને ચોંકાવનારો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "હું ક્યારેય ભવિષ્ય વિશે નથી વિચારતો. હું વર્તમાન પળમાં જીવું છું અને તેના માટે મારા બાળકોના સમ ખાઈ શકું છું. હું આજની વાત કરું છું. મને ખબર નથી કે આવતીકાલે મારી સાથે શું બનશે."

તેમણે આગળ ઉમેર્યું કે, "શક્ય છે કે કાલે સવારે હું ઉઠું અને મારું રમવાનું મન જ ન થાય. આગળ શું થવાનું છે તે કોઈ જાણતું નથી, તેથી હું કોઈ આગાહી કરી શકતો નથી." આ નિવેદન બાદ ચાહકોમાં એવી અટકળો વહેતી થઈ છે કે રોનાલ્ડો કદાચ નિવૃત્તિ અંગે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે.

ફૂટબોલના મેદાન પર રોનાલ્ડોનું યોગદાન અજોડ રહ્યું છે. તેમણે પોર્ટુગલ તરફથી 234 ઇન્ટરનેશનલ મેચ રમીને 146 ગોલ ફટકાર્યા છે, જે વૈશ્વિક સ્તરે એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે.

લિયોનેલ મેસી અને રોનાલ્ડો વચ્ચે વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડી (GOAT) હોવાની ચર્ચા હંમેશા ચાલતી રહી છે. જોકે, વર્તમાન સસ્પેન્શન અને તેમના બેધડક નિવેદને ફરી એકવાર રમતજગતમાં તેમના પ્રભાવ અને આક્રમક માનસિકતાની સાબિતી આપી છે.

(8:49 PM IST)