<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ટેનિસ જગતમાં મોટો ભૂકંપ: વિમ્બલ્ડન ચેમ્પિયન માર્કેટા વોન્ડ્રોસોવા પર ૪ વર્ષનો સખત પ્રતિબંધ, રડી પડતાં ટેનિસ સ્ટારે કહ્યું, ‘મેં ક્યારેય ડોપિંગ નથી કર્યું!’

ટેસ્ટ આપવાનો ઇનકાર કરવા બદલ એન્ટી-ડોપિંગ ટ્રિબ્યુનલે ફટકારી આકરી સજા; છેલ્લા ૭ મહિના નરક જેવા વીત્યા, રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હોવાની ખેલાડીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી દર્દભરી પોસ્ટ

નવી દિલ્હી : વૈશ્વિક ટેનિસ જગતમાંથી એક ખૂબ જ આંચકાજનક અને સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન અને વિશ્વની નંબર ૬ ટેનિસ ખેલાડી માર્કેટા વોન્ડ્રોસોવા પર એન્ટી-ડોપિંગ નિયમોના ભંગ બદલ પૂરા ચાર વર્ષનો સખત સસ્પેન્શન (પ્રતિબંધ) લાદવામાં આવ્યો છે. ડિસેમ્બર ૨૦૨૫માં રમતની બહાર (આઉટ ઓફ કોમ્પિટિશન) યોજાયેલા ડોપિંગ ટેસ્ટ માટે નમૂનો (સેમ્પલ) આપવાનો ઇનકાર કરવા બદલ એક સ્વતંત્ર ટ્રિબ્યુનલે આ આકરો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા બાદ ચેક રિપબ્લિકની આ ૨૬ વર્ષીય સ્ટાર ખેલાડીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને પોતાનું મૌન તોડ્યું છે અને પોતાના દિલનું દર્દ ઠાલવ્યું છે.

માર્કેટા વોન્ડ્રોસોવાએ પોતાની લાંબી ઈમોશનલ પોસ્ટમાં લખ્યું છે કે, "છેલ્લા સાત મહિના મારા જીવનનો સૌથી અંધકારમય અને મુશ્કેલ સમય રહ્યો છે. આ તપાસ દરમિયાન હું ભયંકર માનસિક તણાવ, ચિંતા અને અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ છું, જેના કારણે મારી રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી." તેણે વધુમાં દાવો કર્યો કે તેણે તપાસમાં એજન્સીઓને પૂરો સહકાર આપ્યો હતો, તમામ દસ્તાવેજો સબમિટ કર્યા હતા અને ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થઈને પોતાની બાજુ પણ રજૂ કરી હતી, છતાં તેની સાથે અન્યાય થયો છે.

શા માટે લાગ્યો ૪ વર્ષનો પ્રતિબંધ? શું હતી વિવાદિત ઘટના?

આ સમગ્ર વિવાદ ડિસેમ્બર ૨૦૨૫ માં શરૂ થયો હતો, જ્યારે ડોપિંગ વિરોધી અધિકારીઓની એક ટીમ અચાનક વોન્ડ્રોસોવાના ઘરે સરપ્રાઈઝ ટેસ્ટ માટે પહોંચી હતી. તે સમયે માર્કેટાએ ટેસ્ટ માટે પોતાનું સેમ્પલ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ટ્રિબ્યુનલના મતે, ટેસ્ટનો ઇનકાર કરવો એ સીધો નિયમોનો ભંગ અને ગુનો બને છે. જોકે, વોન્ડ્રોસોવાએ કોર્ટમાં દલીલ કરી હતી કે તે સમયે તે ભારે અંગત પારિવારિક સમસ્યાઓ અને ભયંકર માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હોવાને કારણે માનસિક સ્થિતિમાં નહોતી. પરંતુ ટ્રિબ્યુનલે આ બહાનાને અમાન્ય રાખીને તેના પર ૪ વર્ષનો વ્યાપક પ્રતિબંધ ઠોકી દીધો હતો.

‘મારી કારકિર્દીનો એકપણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો નથી’ - માર્કેટાનો સણસણતો દાવો

પોતાની સફાઈ આપતા માર્કેટાએ મજબૂત શબ્દોમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પ્રતિબંધિત દવા કે પદાર્થ (Doping) નો ઉપયોગ કર્યો નથી. મારી આખી કારકિર્દી દરમિયાન લેવાયેલા તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. એટલું જ નહીં, જે ઘટનાના આધારે મારા પર પ્રતિબંધ મુકાયો છે, તેના બરાબર ત્રણ દિવસ પછી મારો જે ટેસ્ટ થયો હતો, તેનો રિપોર્ટ પણ સંપૂર્ણ નેગેટિવ હતો." તેણે ઉમેર્યું કે આ કડક નિયમો લાગુ કરનારી સંસ્થાઓએ નિયમોની આડમાં પોતાની ‘માનવતા’ ગુમાવવી જોઈએ નહીં.

પોસ્ટના અંતમાં ૨૬ વર્ષીય આ ચેમ્પિયને આ મુશ્કેલ સમયમાં તેની પડખે ઊભા રહેવા બદલ પોતાના પરિવાર, મિત્રો અને ચાહકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેણે મક્કમતાથી કહ્યું કે, ભવિષ્યમાં ભલે ગમે તે થાય, પણ આ અન્યાયી નિર્ણય તેની ટેનિસ પ્રત્યેની રુચિ, તેની મહેનત અને તેના સાચા મૂલ્યોને ક્યારેય છીનવી શકશે નહીં. આ પ્રતિબંધને કારણે હવે માર્કેટાની ટેનિસ કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ જશે કે કેમ, તે જોવું રહ્યું.

(6:27 PM IST)