<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ક્રિકેટના મક્કામાં માનવતાનો સંગમ: જય શાહ અને સૌરવ ગાંગુલીએ VIP કલ્ચર છોડી ૧૦૦૦ દિવ્યાંગ ચાહકો સાથે માણી મેચ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા વચ્ચેના જંગમાં જોવા મળ્યા હૃદયસ્પર્શી દ્રશ્યો, ICC ચેરમેન અને પૂર્વ ભારતીય કેપ્ટન એરકન્ડિશન્ડ બોક્સ છોડી સામાન્ય સ્ટેન્ડમાં સ્પેશિયલ ફેન્સ વચ્ચે બેઠા, ખેલદિલી અને સમાવેશી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ક્રિકેટની દિગ્ગજ જોડી.

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી આઈપીએલ મેચ માત્ર ચોગ્ગા-છગ્ગાને કારણે નહીં, પરંતુ સ્ટેન્ડમાં જોવા મળેલી એક ઉમદા પહેલને કારણે યાદગાર બની ગઈ છે. ICCના ચેરમેન જય શાહ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પરંપરાગત પ્રોટોકોલ અને VIP સુવિધાઓનો ત્યાગ કરીને ૧૦૦૦ જેટલા દિવ્યાંગ ચાહકો સાથે બેસીને ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેનો મુકાબલો નિહાળ્યો હતો. આ ખાસ મહેમાનો વચ્ચે ક્રિકેટના દિગ્ગજોને પોતાની બાજુમાં બેઠેલા જોઈને દિવ્યાંગ બાળકો અને યુવાનોના ચહેરા પર અનોખી સ્મિત જોવા મળી હતી.

સ્ટેડિયમના સૌથી નીચેના સ્ટેન્ડમાં બેસીને જય શાહ અને ગાંગુલીએ લાંબો સમય આ ચાહકો સાથે વિતાવ્યો હતો. સામાન્ય રીતે હાઈ-પ્રોફાઈલ મહેમાનો ગ્લાસ પેનલ ધરાવતા લક્ઝરી બોક્સમાં બેસવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ બંને મહાનુભાવોએ જનરલ સ્ટેન્ડમાં જઈને આ 'સ્પેશિયલ' ચાહકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સ્ટેડિયમમાં હાજર અન્ય હજારો પ્રેક્ષકોએ પણ તાળીઓના ગડગડાટ સાથે આ પહેલને બિરદાવી હતી. ક્રિકેટ માત્ર રમત નથી પણ એક ભાવના છે, તે વાત આ દ્રશ્યોએ ફરી એકવાર સાબિત કરી દીધી હતી.

આઈપીએલની ઝાકઝમાળ વચ્ચે આ પ્રકારના સામાજિક અભિગમે રમત ગમત ક્ષેત્રે એક નવો ચીલો ચાતર્યો છે. જય શાહે આ પ્રસંગે દિવ્યાંગો માટે રમતગમતમાં સુવિધાઓ વધારવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેના પ્રયાસો અંગે પણ ચર્ચા કરી હોવાનું મનાય છે. બીજી તરફ, 'દાદા' તરીકે ઓળખાતા સૌરવ ગાંગુલીએ પણ ચાહકો સાથે સેલ્ફી પડાવીને અને તેમની સાથે ક્રિકેટની ગપસપ કરીને આ સાંજને સૌ માટે કાયમી સંભારણું બનાવી દીધી હતી. ક્રિકેટના આ મહાકુંભમાં માનવતાના આ રંગોએ રમતની ગરિમામાં ચાર ચાંદ લગાવી દીધા છે.

(2:29 PM IST)