<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ક્રિકેટ જગતમાં મોટો ધડાકો: દિલ્હી કેપિટલ્સના સ્ટાર ખેલાડી અભિષેક પોરેલની કથિત બળાત્કાર કેસમાં ધરપકડ

લગ્નની ખોટી લાલચ, શારીરિક શોષણ અને પ્રાઇવેટ ફોટો-વીડિયો લીક કરવાની ધમકી આપવાના ગંભીર આરોપો બાદ કલકત્તા હાઇકોર્ટે આપ્યો ધરપકડનો કડક આદેશ

કોલકાતા: તા.11 — ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને બંગાળ ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સના ઉભરતા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલની સોમવારે રાત્રે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાંથી કથિત બળાત્કાર અને ધમકી આપવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મેડિકલ અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીની ગંભીર ફરિયાદ અને કલકત્તા હાઈકોર્ટના આકરા વલણ બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે, જેનાથી ક્રિકેટ ચાહકોમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

 

શું છે સમગ્ર વિવાદ અને ગંભીર આરોપો?

કર્ણાટકમાં મેડિકલનો અભ્યાસ કરતી પીડિતાના જણાવ્યા મુજબ, તે અને અભિષેક પોરેલ છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને બંને લગ્ન કરવાના હતા. જોકે, છેલ્લા દોઢ વર્ષથી તેમની વચ્ચે મતભેદો શરૂ થયા હતા. પીડિતાનો આરોપ છે કે અભિષેકે તેને લગ્નની ખોટી લાલચ આપીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં, સંબંધોમાં તિરાડ પડ્યા બાદ તેના ઘનિષ્ઠ (પ્રાઇવેટ) ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર લીક કરી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી.

 

પોલીસ સ્ટેશનથી લઈને હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો

આ મામલે ગત ૨૩ જૂને હુગલી જિલ્લાના મોગરા પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૬૯ (લગ્નની ખોટી લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા) તથા આઇટી એક્ટની ગંભીર કલમો હેઠળ બિનજામીનપાત્ર ગુનો દાખલ કર્યો છે. પોલીસે તપાસના ભાગરૂપે અભિષેકના મોબાઇલ, લેપટોપ અને સ્ટોરેજ ડિવાઇસ સહિતના તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કરવા માટે કવાત હાથ ધરી છે. મામલાની ગંભીરતા જોઈ કલકત્તા હાઈકોર્ટે તેની તાત્કાલિક ધરપકડનો આદેશ આપ્યો હતો.

 

IPL માં ચમકેલી કારકિર્દી પર ગ્રહણ

ડાબોડી વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલે ઋષભ પંતની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સ વતી રમતા પોતાના શાનદાર પ્રદર્શનથી ખૂબ જ ઝડપથી પ્રશંસા મેળવી હતી. તેણે વિસ્ફોટક બેટિંગથી ટીમમાં પોતાની જગા મજબૂત બનાવી હતી. જોકે, આ હાઇ-પ્રોફાઇલ કેસમાં ધરપકડ થતાં જ તેની ઉભરતી કારકિર્દી સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થઈ ગયા છે. કોર્ટના આદેશ બાદ અભિષેકે તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

(3:35 PM IST)