News of Monday, 10th August 2026
યુ-૨૦ વર્લ્ડ એથ્લેટિક્સમાં ભારતીય યુવા ખેલાડીઓએ રચ્યો નવો ઈતિહાસ: નીરજ ચોપરાએ બસંત કુમાર મેઘવાલ અને શાહનવાઝ ખાનને પાઠવ્યા ખાસ અભિનંદન
અમેરિકાના યુજેનમાં હાઈ જમ્પ અને લોંગ જમ્પમાં સિલ્વર અને બ્રોન્ઝ જીતીને ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું; નીરજે 'બેકસ્ટેજ ટીમ' અને ખેલાડીઓની સખત મહેનતને બિરદાવી

નવી દિલ્હી : યુજેન (ઓરેગોન, અમેરિકા) ખાતે યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ U20 ચેમ્પિયનશિપ ૨૦૨૬ માં ભારતીય યુવા એથ્લેટ્સ બસંત કુમાર મેઘવાલ અને શાહનવાઝ ખાને પોતાના શાનદાર પ્રદર્શનથી ઐતિહાસિક મેડલ જીતીને સમગ્ર દેશનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે. ભારતને વર્લ્ડ લેવલે મળેલી આ અદ્ભુત સફળતા બાદ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ પણ સોશિયલ મીડિયા પર આ યુવા ખેલાડીઓને વિશેષ અભિનંદન પાઠવ્યા છે.
પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં ૧૯ વર્ષીય બસંત કુમાર મેઘવાલે ૨.૨૧ મીટરનો કુદકો લગાવીને પોતાના પર્સનલ બેસ્ટ પ્રદર્શનની બરાબરી કરી હતી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાથે જ બસંત વર્લ્ડ એથ્લેટિક્સ U20 ચેમ્પિયનશિપના ઇતિહાસમાં હાઈ જમ્પ ક્ષેત્રે ભારતને મેડલ અપાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
બીજી તરફ, લોંગ જમ્પ સ્પર્ધામાં શાહનવાઝ ખાને ૭.૮૪ મીટરનો શાનદાર જમ્પ લગાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સ્પર્ધાના ઇતિહાસમાં લોંગ જમ્પમાં મેડલ જીતનાર શાહનવાઝ પ્રથમ ભારતીય પુરુષ એથ્લેટ બન્યો છે.
નીરજ ચોપરાએ પોતાના 'X' (ટ્વિટર) હેન્ડલ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, "બસંત કુમાર મેઘવાલ અને શાહનવાઝ ખાન માટે આ તો બસ શરુઆત છે. પુરુષોની હાઈ જમ્પ અને લોંગ જમ્પમાં U-20 વર્લ્ડસમાં સિલ્વર અને બ્રોન્ઝ જીતવા બદલ બંને ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન! આ અદ્ભુત પ્રતિભાઓની પાછળ રાત-દિવસ કામ કરી રહેલી પડદા પાછળની આખી ટીમને પણ સેલ્યુટ."
આ બે મેડલ ઉપરાંત શુક્રવારે આશિષ યાદવે જેવલિન થ્રો (ભાલા ફેંક) માં સિલ્વર મેડલ જીત્યો હતો, જેના કારણે વર્લ્ડ એથ્લેટિક્સ U20 માં ભારતની કુલ મેડલ સંખ્યા ૩ પર પહોંચી ગઈ છે. આ સાથે જ ભારતે ૨૦૨૧ અને ૨૦૨૨ ની આવૃત્તિઓના પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરાબરી પણ કરી લીધી છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
