<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ઉલટફેર : ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવની હકાલપટ્ટી કરીને શ્રેયસ અય્યરને સોંપાઈ કપ્તાની જ્યારે તિલક વર્મા બન્યા ઉપકેપ્ટન

બીસીસીઆઈએ આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ પ્રવાસ અને એશિયન ગેમ્સ માટે ટીમો જાહેર કરી : આઈપીએલ ૨૦૨૬માં ધમાકો કરનાર ૧૫ વર્ષીય યુવા સનસની વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં સરપ્રાઇઝ એન્ટ્રી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા શનિવારે આયર્લેન્ડ પ્રવાસ, ઇંગ્લેન્ડ પ્રવાસ અને એશિયન ગેમ્સ ૨૦૨૬ માટે ટીમ ઇન્ડિયાના સ્ક્વોડની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ લીધેલા કેટલાક આઘાતજનક નિર્ણયોમાં સૌથી મોટો નિર્ણય ટી૨૦ ટીમના કેપ્ટન બદલવાનો છે. ભારતીય ટીમને પોતાની કપ્તાની હેઠળ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ જીતાડનાર સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની ખરાબ ફોર્મના કારણે રજા કરી દેવામાં આવી છે. તેને માત્ર કેપ્ટનશીપ પરથી જ નહીં, પરંતુ ટીમમાંથી પણ બહાર કરી દેવાયો છે. સૂર્યાના સ્થાને હવે શ્રેયસ અય્યરને ભારતીય ટી૨૦ ટીમનો નવો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે, જેણે પોતાનો છેલ્લો ટી૨૦ મેચ ડિસેમ્બર ૨૦૨૩માં રમ્યો હતો. આ સાથે જ યુવા ખેલાડી તિલક વર્માનું પ્રમોશન કરીને તેને અય્યરનો ડેપ્યુટી એટલે કે ટીમનો ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે.

૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીની કિસ્મત ચમકી:
પસંદગી સમિતિએ આઈપીએલ ૨૦૨૬માં બેટિંગથી ધમાકો કરનાર ૧૫ વર્ષીય યુવા સનસની વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ શ્રેણી માટેની ભારતીય ટીમમાં સામેલ કરીને મોટો પ્રતિકાર આપ્યો છે. આ આશાસ્પદ ખેલાડીને એશિયન ગેમ્સના સ્ક્વોડમાં પણ સ્થાન મળ્યું છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત આયર્લેન્ડથી કરશે, જ્યાં ૨૬ જૂનથી બે મેચની ટી૨૦ શ્રેણી રમાશે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા ૧ જુલાઈથી ઇંગ્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં પાંચ ટી૨૦ અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે. આ સિવાય સપ્ટેમ્બર મહિનામાં જાપાન ખાતે એશિયન ગેમ્સની શરૂઆત થવાની છે, જેમાં પણ ભારત મજબૂત ટીમ સાથે મેદાને ઉતરશે.

આયર્લેન્ડ પ્રવાસ ૨૦૨૬ માટેની સંપૂર્ણ ભારતીય ટીમ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (ઉપકેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

ઇંગ્લેન્ડ પ્રવાસ ૨૦૨૬ માટે જાહેર કરાયેલી ટીમ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (ઉપકેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, પ્રિન્સ યાદવ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશી.

એશિયન ગેમ્સ ૨૦૨૬ માટેનું ઇન્ડિયા સ્ક્વોડ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (ઉપકેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી અને વૈભવ સૂર્યવંશી.

 

(1:48 PM IST)