News of Wednesday, 18th March 2026
હવે ધોનીની જર્સી પર હવે 7 નંબર જોવા નહીં મળે :IPL સિઝન માટે નવો નંબર પસંદ કર્યો
ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 શરૂ થાય તે પહેલાં તેના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો

મુંબઈ : પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો જર્સી નંબર હવે બદલાઈ ગયો છે. ધોનીએ તેના ફેસબૂક હેન્ડલ પર પોતાનો નવો જર્સી નંબર જાહેર કર્યો છે. ધોનીનો જર્સી નંબર 7 એક સિગ્નેચર નંબર હતો, પરંતુ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે પોતાનો પ્રિય જર્સી નંબર છોડી દીધો છે. છેલ્લા બે દાયકાથી, ભારતીય ક્રિકેટમાં 7 નંબરનો અર્થ ફક્ત એક જ નામ મહેન્દ્રસિંહ ધોની થતો હતો. લાખો ચાહકો ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટન ધોનીના જર્સી નંબર 7 સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતા. જ્યારે પણ ટીમ ઈન્ડિયા કોઈ મેચ જીતી કે ધોની કોઈ મેચ જોવા માટે આવતા, ત્યારે ચાહકો તેના જર્સી નંબર સાથે પોતાના અનોખા જોડાણો બનાવતા હતા. નંબર 7 જર્સીની આસપાસ અસંખ્ય વાર્તાઓ અને કહાનીઓ વણાયેલી છે, પરંતુ હવે નંબર 7 જર્સીનો યુગ સમાપ્ત થઈ ગયો છે કારણ કે ધોનીએ પોતાનો જર્સી નંબર બદલી નાખ્યો છે.
ઘટના એવી છે કે, ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 શરૂ થાય તે પહેલાં તેના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ચાહકોને તેના નવા જર્સી નંબર વિશે માહિતી આપવામાં આવી છે. ધોની હવે મેદાન પર 7 ને બદલે 8 નંબર પહેરશે. આ માહિતી શેર કરતા ધોનીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, "કેટલાક નંબર હંમેશા તમારી સાથે રહે છે, 7એ એક એવો નંબર છે. પરંતુ આજે હું મારો નંબર બદલીને 8 કરી રહ્યો છું. તમને ટૂંક ગાળામાં ખબર પડશે કે શા માટે આમ કરાયું છે."
દુનિયાભરમાં ઘણાં ક્રિકેટરો એવા છે જેમની જર્સીની પોતાની આગવી ઓળખ રહી છે. ધોની પણ તેનાથી અલગ નથી. ધોનીએ એક વખત સમજાવ્યું હતું કે તેણે જર્સી નંબર 7 કેમ પસંદ કર્યો હતો. ધોનીનો જન્મ 7 જુલાઈ, 1981ના રોજ થયો હતો. તેના જન્મ વર્ષના છેલ્લા બે અંકોની બાદબાકી 7 છે, જેનાથી તે યાદ રાખવું સરળ બને છે. એટલા માટે તેણે પોતાની જર્સી નંબર 7 રાખ્યો છે.
(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
