તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Friday, 13th March 2026
માઈકલ વોનનો વરવો પ્રહાર: “દક્ષિણ આફ્રિકા સૌથી મૂર્ખ ટીમ”, ભારતને વર્લ્ડ કપમાંથી બહાર કરવાની સુવર્ણ તક કેમ ગુમાવી?
સૂર્યકુમાર યાદવની સેનાને રોકવા માટે આફ્રિકા પાસે હતું બ્રહ્માસ્ત્ર: પણ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ભારતનો રસ્તો સાફ કરી દીધો : ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનનો પોડકાસ્ટ પર સણસણતો આક્ષેપ

લંડન : ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતની ઐતિહાસિક જીત બાદ ક્રિકેટના કોરિડોરમાં ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને દક્ષિણ આફ્રિકાની ટીમને ટુર્નામેન્ટની "સૌથી મૂર્ખ ટીમ" ગણાવીને બધાને ચોંકાવી દીધા છે. વોનનું માનવું છે કે જ્યારે સુપર 8 રાઉન્ડમાં આફ્રિકાએ ભારતને હરાવ્યું હતું, ત્યારે ભારતનો નેટ રન રેટ અત્યંત ખરાબ થઈ ગયો હતો અને ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જવાની અણી પર હતી. પરંતુ ત્યારબાદ જે થયું તેણે ભારત માટે ટાઈટલ જીતવાના દરવાજા ખોલી દીધા. વોન કહે છે કે જો આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં જાણીજોઈને હાર સ્વીકારી હોત અથવા રમતની વ્યૂહરચના બદલી હોત, તો ભારત સેમિફાઇનલ સુધી પણ પહોંચી શક્યું ન હોત.
'સ્ટીક ટુ ક્રિકેટ' પોડકાસ્ટ પર વાત કરતા વોને તર્ક આપ્યો કે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ જીતવાની શ્રેષ્ઠ રીત એ છે કે શરૂઆતના તબક્કે જ સૌથી મજબૂત ટીમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવી. દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટથી હરાવીને ભારતને જીવનદાન આપ્યું. જો વેસ્ટ ઈન્ડિઝ જીત્યું હોત તો ભારત બહાર થઈ ગયું હોત. વોને કટાક્ષ કરતા કહ્યું કે, ભારતને હરાવ્યા પછી આફ્રિકાએ ભારતનો વિજય ક્રમ અટકાવવાની તક ગુમાવી અને છેવટે ન્યુઝીલેન્ડ સામે ફાઇનલમાં ભારતે ભવ્ય વિજય મેળવીને સતત બે અને કુલ ત્રણ વર્લ્ડ કપ જીતવાનો ઇતિહાસ રચ્યો.
માઈકલ વોનના આ નિવેદનથી ભારતીય ફેન્સમાં આક્રોશ છે, જ્યારે ક્રિકેટ વિશ્લેષકો તેને એક વ્યૂહાત્મક ભૂલ તરીકે જોઈ રહ્યા છે. વોને વધુમાં જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાએ ત્યારબાદ ઝિમ્બાબ્વે સામેની મેચમાં પોતાના ત્રણ મહત્વના ખેલાડીઓને આરામ આપ્યો હતો, જે તેમની આળસ દર્શાવે છે. એક બાજુ ભારત સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં સતત મજબૂત થઈ રહ્યું હતું, ત્યારે આફ્રિકાની આ 'જીત' ભારત માટે વરદાન સાબિત થઈ. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ખરેખર દક્ષિણ આફ્રિકાએ પોતાની જીતની જીદમાં ભારતને ચેમ્પિયન બનવાની તક આપી દીધી?
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
